Monday, August 16, 2010

સાચો પ્રેમ ? એ વળી શું ?

સેકન્ડ યર સાઇકોલોજીની વિદ્યાર્થીની પ્રીતિ (૧૮) એના આકર્ષક રૃપ માટે કોલેજના છોકરાઓમાં જાણીતી હતી. બધા એની સાથે ફ્રેન્ડશિપ કરવા તલપાપડ હતા પણ પ્રીતિએ કોલેજના સૌથી હેન્ડસમ યુવાન વિનીતને પોતાના બોયફ્રેન્ડ તરીકે પસંદ કર્યો. જિમમાં નિયમિત જતા વિનીતનું બૉડી કોઇ એકટર જેવું કસાયેલું અને સપ્રમાણ હતું પણ એના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રીતિ અને વિનીતની ફ્રેન્ડશીપ એકાદ વરસ ચાલી ત્યાં કોલેજમાં પાર્થ નામના એકનવા યુવાનની એન્ટ્રી થઇ. પાર્થ સાવ દેખાવમાં સાધારણ હતો પણ રોજ ચળકતી ઓપલ એસ્ટ્રા કારમાં કોલેજ આવતો. એ મોંઘાદાટ બ્રાન્ડેડ વસ્ત્રો પહેરતો અને બ્લેક બેરી ફોન વાપરતો. પાર્થ કોલેજના કેમ્પસમાં કાર પાર્ક કરીને કલાસમાં આવતો ત્યારે એના વિદેશી પરફયુમથી આખો કલાસ મહેકી ઉઠતો. પ્રીતિએે એકાદ અઠવાડીયા સુધી આ બધી વાતની નોંધ લીધી અને પછી પાર્થ સાથે ફ્રેન્ડશીપ કરવાનું મનોમન નક્કી કરી લીધું.

એક દિવસ પ્રીતિએ પોતાની બહેનપણી મારફત મેસેજ મોકલીને પાર્થને કેન્ટિનમાં મળવા બોલાવ્યો. પાર્થને પણ દેખાવડી કન્યામાં રસ પડયો હતો એટલે એ મળવા આવ્યો. બંને વાતોએ વળગ્યા અને વાતવાતમાં પ્રીતિએ પાર્થને ડેટિંગ પર જવાની ઓફર કરી. પાર્થે થોડા સંકોચ સાથે કહ્યું, 'સૉરી, આ સન્ડે તો હું મારી સ્કૂલની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવાનો છું.' પ્રીતિએ આ સાંભળી જરાય નાસીપાસ થયા વિના બીજી ઓફર કરી, 'તો પછી નેકસ્ટ સન્ડે ડેટ પર જવાનું રાખીએ. આ સન્ડે હું પણ મારા જુના બોયફ્રેન્ડ વિનીત સાથે ડેટ પર જઇ આવું.' પાર્થે પ્રીતિની નવી ઓફર સ્વીકારી અને બંનેની ફ્રેન્ડશીપ પર મહોર લાગી ગઇ. ધીમે ધીમે પાર્થ- પ્રીતિ વચ્ચેની દોસ્તી પાકી થતી ગઇ અને વિનીત આપોઆપ પ્રીતિથી દૂર થઇ ગયો. આ જોઇ એકવાર કેન્ટિનમાં પ્રીતિની ખાસ ફ્રેન્ડ પલ્લવીએ એને પૂછી લીધુ, 'પ્રીત, તે પાર્થ માટે વિનીતને છોડી દીધો કે શું? એ બિચારો કેવો દેવદાસ થઇને ફરે છે! તારે આવુ નહોતુ કરવું જોઇતું.' આ સાંભળી પ્રીતિએ ખિલખિલાટ હસતા પલ્લવી સમક્ષ પોતાનું દિલ ખોલ્યું, 'પલ્લી, વિનીત બહુ સારો છોકરો છે, હેન્ડસમ છે, સ્વભાવનો સારો છે પણ એની પાસે ઓપલ એસ્ટ્રા અને બ્લેક બેરી નથી. એટલે હું એને લાઇફ પાર્ટનર બનાવવાનું કદી સ્વપ્ને પણ ન વિચારૃ. જયારે પાર્થ પાસે મને આપવા માટે બધુ જ છે. એ મને મેરેજ માટે પ્રપોઝ કરશે તો હું ના નહિ કહું આફટર ઑલ, આઇ વાન્ટ ટુ એન્જોય માય લાઇફ.'

અઢાર વરસની કાચી વયે પ્રેમને ભૌતિકતાના ત્રાજવામાં તોલી શકે છે. એ નવા જમાનાની તાસિર છે.

No comments:

Post a Comment