Monday, March 29, 2010
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે…
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે……
- મુનિ શ્રી ચિત્રભાન
Friday, February 26, 2010
દિલ પૂછે છે મારૂં...
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....
પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે? થાકેલા છે બધા છતાં,લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?...
બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
Wednesday, August 19, 2009
આ માનસ જાને મોબાઇલ થઇ ગયો...
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઇ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !
સામે કોણ છે એ જોઇને
સંબંધ રિસીવ કરતો થઇ ગયો
સ્વાર્થનાં ચશ્માં પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઇ ગયો
મીસીસને છોડીને મિસને
એ કોલ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !
પડોશીનું ઉચું મોડેલ જોઈ
જુવોને જીવ બળતો થઇ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !
હોઈ જુનાગઢમાં અને છું અમદાવાદમાં
એમ કહેતો એ થઇ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !
ઇનકમિંગ- આઉટ ગોઇગ ફ્રિ ના ચક્કરમાં
કુટુંબના જ કવરેજ બહાર એ થઇ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝેરો એ થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !
Thursday, June 18, 2009
ચાંદો સૂરજ રમતા’તા...
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં.
બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો.
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યુ.
દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું,
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો.
ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી.
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી.
માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો,
ધડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું.
પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં,
ફુલ મેં પુજારી ને અપ્યા, પુજારી એ મને પ્રસાદ આપ્યો,
પ્રસાદ મેં બા ને અપ્યો, બા એ મને લાડવો આપ્યો,
ઇ લાડવો હું ખાઇ ગ્યો, અને હું અવડો મોટો થઇ ગ્યો....
Wednesday, June 10, 2009
શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે...

એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
Tuesday, May 12, 2009
કાળજા કેરો કટકો મારો...
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
-કવિ દાદ
Thursday, April 30, 2009
રીંછ એકલું ફરવા ચાલ્યું...
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’
રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !
મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !
Tuesday, April 21, 2009
સંબંધોમાં છે નાટક ઘણા...
સમજાય નહીં એવા પાત્રો ઘણા.
થાકી જાવ ભજવતા ભજવતા,
પૂરા થતા નથી નાટક ઘણા.
કલાકાર બની ગયા જીંદગીના,
સરસ ભજવી ગયા નાટક ઘણા.
સત્યની અહિયા કોને પડી છે,
આવડવુ જોઈયે કરતા નાટક ઘણા.
રંગમંચની કઠપૂતળીઓ છે માણસ,
ઈશ્વરે દોરીથી ભજવ્યા નાટક ઘણા.
ઈશ્વર, તું જોયા કરે ઉપરથી,
ઈન્સાનો કેવા કરે છે નાટક ઘણા.
"અશ્વિન" ન આવડતુ હોય તો શીખી લે,
આ દુનિયામાં ચાલે છે નાટક ઘણા.
પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો...
ફના થઈ જાય છે કિંતું કદમ પાછા નથી ભરતો.
સમયની બેવફાઈ પર ભરોસો આવશે ક્યાથી,
જીવનમાંથી ગયેલો શ્વાસ જ્યાં પાછો નથી ફરતો.
નથી મંજૂર કે મુજ પ્રેમનું અપમાન થઈ જાયે,
કરું છું યાદ તુજને પણ કદી આહો નથી ભરતો.
હજારો દીપ છે આશાનાં એ અંધકારને માટે,
નિરાશા લાખ આવે હું નિરાશાથી નથી ડરતો.
ઉષા છે રજની મારી જિંદગીની ચાંદની જેવી,
મરણ અંધકાર લઈ આવે તો હું પરવા નથી કરતો.
Wednesday, April 15, 2009
ઝૂલણ મોરલી વાગી રે...
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે...
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
Saturday, April 11, 2009
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
Wednesday, April 8, 2009
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના...
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઉંઘ માંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમ નાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝુલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમનાં.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડ ને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીઝતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.
-મણિલાલ દેસાઇ
Friday, April 3, 2009
છાનું રે છપનું કંઇ થાય નઇ...
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ… છાનું રે છપનું…
આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
ખોબો ભરીને અમે એટલું હસ્યાં - જગદીશ જોષી
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
Tuesday, March 31, 2009
રમતું નગર મળે ન મળે...
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
મઝા અનેરી હોય છે...
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે...
Wednesday, March 25, 2009
જીવવા માટે પણ સમય નથી...
દિવસ-રાત દોડતી દુનિયા મા, જિંદગી માટે પણ સમય નથી
મા ના હાલરડાં નો અહેસાસ છે, પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી
બધા નામ મોબઈલ મા છે પણ, મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી
આંખો મા છે ઊંઘ ઘણીયે, પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું, પણ રોવા માટે સમય નથી
પૈસા ની દોડ મા એવા દોડ્યા, કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ, જ્યાં પોતાના સપના ની જ કદર નથી
તુ જ કહે મને એ, શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને, જીવવા માટે પણ સમય નથી....
Thursday, March 19, 2009
એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો,
પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,
દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ,
મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,
'કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,
શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
'કૉડીંગ' કરતા કરતા ખબર જ ના રહી,
'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,
પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો,
દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,
શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે?
ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, 'ઓન-સાઇટ' ક્યારે જઇ રહીયો છે?
આ જુઓ 'ઓન-સાઇટ' પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
KRAની તારીખ આવતી નથી ને 'ઇંકમ-ટેક્સ્'નો સિતમ થઇ રહીયો છે,
આ જુઓ પાછી 'બસ' છૂટી ગઇ ને 'રિક્શા'થી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
'પીત્ઝા' ગળે નથી ઉતરતા તો સાથે 'કોક'ના ઘૂંટડા લઇ રહીયો છે,
'ઓફિસ'ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,
સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,
સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી આ છેલ્લી થોડી પંક્તિઓ,
હજારોના પગારવાળો 'કંપની'ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
સોફ્ટવેઅર એન્જીનિયર એ જ બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,
અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,
એક 'ફોજી'ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે
વરસોનાં વરસ લાગે...
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદ્દ્ભાગ્યે કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે