Tuesday, May 12, 2009

માલીદાસ ભરવાડ

માલીદાસ નામનો એક ભરવાડ હતો. તે ઢોર ચરાવતો અને જીવન ગુજારો કરતો હતો.એક દિવસ એણે એક બ્રાહ્મણ મહારાજને જોયા. મહારાજ નદીમાં પડયા અને નાહ્યા. પછી કિનારે બેસી તેમણે પલાંઠી મારી. નાક પર આંગળી મૂકી તેમણે ધ્‍યાન કર્યું. મહારાજ ઊભા થયા
ત્‍યારે માલીદાસે પૂછયું કે તમે આ બધું શું કર્યું. મહારાજે કહ્યું, ‘‘તું અભણ ભરવાડ છે. તને એ બધું નહીં સમજાય.’’
માલીદાસે એ જાણવા માટે જીદ કરી તેથી બ્રાહ્મણે કહ્યું, ‘‘સ્‍નાન કરી હું શુધ્‍ધ થયો. શુધ્‍ધ થયા પછી જ ધ્‍યાન ધરાય. ધ્‍યાન ધરવા મેં નાકે આંગળી મૂકી શ્વાસ રોકયો. એ રીતે શ્વાસ રોકીએ તેને પ્રાણાયામ કહેવાય.’’
માલીદાસે પૂછયું, ‘‘એમ કરવાથી શું મળે ?’’ માલીદાસ ને માથું ખાતો રોકવા બ્રાહ્મણે કહી દીધું, ‘‘એમ કરવાથી ઈશ્વરનાં દર્શન થાય.’’
બ્રાહ્મણના ગયા પછી બીજે દિવસે સવારે માલીદાસ નહાઈને ચોખ્‍ખો થયો. બ્રાહ્મણની જેમ પલાંડી મારી બેઠો અને નાકે આંગળી મૂકી શ્વાસ રોકયા. ઈશ્વરનાં દર્શન થયાં નહીં એટલે તેણે તો શ્વાસ રોકી જ રાખ્‍યો. શ્વાસ લીધા વગર તેના પ્રાણ જવાની તૈયારી હતી. તેની સાચી તાલાવેલી? જોઈ ભગવાને દર્શન આપ્‍યાં.

માલીદાસે પૂછયું, ‘‘તમે કોણ છો ?’’
ભગવાને જવાબ આપ્‍યો, ‘‘હુ; ભગવાન છું’’
માલીદાસે પૂછયું, ‘‘તમે ભગવાન છો તે હું કેમ માનું ? મારે મારા ગુરુ બ્રાહ્મણ મહારાજને પૂછવું પડે.’’
ભગવાને કહ્યું, ‘‘ભલે તેમને પૂછી આવ.’’
‘‘ત્‍યાં સુધીમાં તમે ભાગી જાવ તો ? હું તમને મારા દોરડા વડે આ ઝાડ સાથે બાંધી રાખું અને બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવું.’’ ભરવાડે કહ્યું.
ભગવાને કહ્યું, ‘‘ભલે.’’ માલીદાસે ભગવાનને ઝાડ સાથે બાંધ્‍યા. પછી તે બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવ્‍યો. ઝાડ સાજે બાંધેલા ભગવાનને બતાવી તેણે મહારાજને પુછયું, ‘‘ગુરુ મહારાજ, આ જ ભગવાન છે કે ?’’
બ્રાહ્મણ મહારાજને તો કંઈ દેખાતું નહોતું. મહારાજે તો કહ્યું, ‘‘મને તો કંઈ દેખાતું નથી’’ ભરવાડે પૂછયું કે ઝાડે બાંધેલો આ પુરુષ તમને દેખાતો નથી? બ્રાહ્મણે તો ના પાડી. ત્‍યાં આકાશવાળી થઈ, ‘‘હે બ્રાહ્મણ, તું ઉપરછલ્‍લા ક્રિયાકર્મ કરે છે તેથી હું તને દેખાતો નથી. આ ભરવાડે ખરા હ્રદયથી ધ્‍યાન ધર્યું તેથી મેં તેને દર્શન આપ્‍યાં છે.’’ બ્રાહ્મણે માલીદાસે ને કહ્યું, ‘‘હા, તને દેખાય છે તે ઈશ્વર જ છે.’’
માલીદાસ તે પછી સંત માલીદાસ કહેવાયા. બ્રાહ્મણે હવે સાચી લગની અને તાલાવેલીથી ધ્‍યાન માંડ્યું. આવા ધ્‍યાનથી જ ઈશ્વરનાં દર્શન થાય છે.

નાનાં પગલાંથી મોટી સિધ્ધિ મળે છે.

ચાણકય ઘણી વાર પ્રજામાં શું ચાલી રહ્યું છે એ જાણવા વેશપલટો કરી નીકળતા. આવી રીતે એક વાર તે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં રાજધાની છોડી દૂરના ગામડે જઈ પહોચ્‍યા. રાત પડી ગઈ હતી. રાતવાસો કરવો પડે તેમ હતો. એક ખેડૂતને ત્‍યાં જઈ ચાણકયે રાત માટે આશ્રય માગ્‍યો. બ્રાહ્મણ અતિથિને ખેડૂતે આવકાર્યા.

ખેડૂતે ઘરમાં કહ્યું, ‘‘બ્રાહ્મણ અતિથિ આંગણે આવ્‍યા છે. એમને ભૂખ્‍યા ન સુવાડાય. જલદી જલદી કંઈ રસોઈ બનાવી નાખો.’’ ખેડૂતની વહુએ ઝડપથી ભાત અને બટાટાનું રસાદાર શાક બનાવી નાખ્‍યું. ખેડૂતે ચાણકયને જમવા બોલાવ્‍યા. પ્રજામાં રહેલી આતિથ્‍યભાવના જોઈ ચાણકય રાજી થયા. હાથ-મોં ધોઈ તે ભોજન કરવા બેઠા. ખેડૂતના વૃધ્‍ધ માજીએ ગરમાગરમ ભાત પીરસ્‍યો. કેળના પાન પર જાણે ભાતનો નાનો ડુંગર! તેના પર ગરમ ફળફળતું શાક નાખ્‍યું. ખાવા માટે ચાણકયે ભાતના ઢગલાની ટોચ પર હાથ નાખ્‍યો. ગરમ ભાત અને શાકથી તેમની આંગળીઓ દાઝી ગઈ અને એમણે એકદમ હાથ પાછો ખેંચી લીધો.

માજીએ કહ્યું, ‘‘તમે અમારા મંત્રી ચાણકય જેવા લાગો છો. ચાણકય હંમેશા બીજા દેશના કેન્‍દ્રમાં રહેલી રાજધાની પર પહેલા હુમલો કરે છે. આથી પાછા પડે છે. તમે જેમ હાથ ખેંચી લીધો તેમ ચાણકયનું સૈન્‍ય પણ પાછું ફરે છે. છેડાનાં નાનાં નાનાં ગામ પર શરુઆતમાં હુમલો કરવો જોઈએ. તમે પણ નીચેના ભાત પહેલા આરોગો, પછી વચ્‍ચે પહોંચો. એમ કરશો તો પૂરતો ગરમ ભાત મજાથી જમી શકશો.’’

માજીનું ડહાપણ જોઈ ચાણકય ચકિત થઈ ગયા. ચાણકયે બોધપાઠ લીધો. હંમેશા નાનાં નાનાં પગલાંથી શરુ કરવું જોઈએ. એમ કરીએ તો મોટી સિધ્ધિ મેળવી શકાય.

ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.

ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્‍ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્‍માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્‍યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્‍યા તે એમને ગમ્‍યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્‍તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્‍યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્‍યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્‍યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્‍યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્‍યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્‍યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્‍યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્‍યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્‍યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’ ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્‍ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્‍માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્‍યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્‍યા તે એમને ગમ્‍યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્‍તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્‍યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્‍યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્‍યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્‍યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્‍યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્‍યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્‍યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્‍યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્‍યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’

કાળજા કેરો કટકો મારો...

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

-કવિ દાદ

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ...

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે…. – વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય… – વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત – વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. – વીજળીને ચમકારે

-ગંગાસતી

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે ૧૫ શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.

Friday, May 1, 2009

ગુજરાત રાજ્ય દિવસ - ૧લી મે ૧૯૬૦

આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન
અને મે દિન અથવા મજૂર દિન


ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત.

ઈ.સ. ૧૯૬૦ માં "મહાદ્વિભાષી રાજ્ય" - બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે ૧ લી મે ૧૯૬૦ ના દિવસે ઉદઘાટન થયું હતું. ઈ.સ. ૨૦૧૦ માં ગુજરાત રાજ્ય સ્થાપનના ૫૦ વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.

આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.

આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં ૧-૫-૧૮૮૭ ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે

આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને. ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે.

૨૪ એપ્રિલ થી ૧ મે સુધીના આ કાર્યક્રમ માં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યો ની શરૂઆત કે લોકાર્પણ ની વિધિ કરવામાં આવે છે. આજે પહેલી મે ના દિવસે યોજાનારા કાર્યક્રમો માં ઈ-ગ્રામ નું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ, સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ પ્રસ્થાન તથા સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સમુદ્ર ગાથા - ગુજરાત નું આયોજન છે.

આપણે સૌ આશા રાખીએ કે આપણું આ રાજ્ય આમ જ ઊતરોતર પ્રગતિના સોપાનો સર કરતું રહે અને દેશ અને વિશ્વ માટે એક આદર્શ પ્રદેશ બની રહે…

આપને સૌને અશ્વિન પઢિયાર તરફ થી…
જય ગુજરાત…