Showing posts with label ધૂમકેતુ. Show all posts
Showing posts with label ધૂમકેતુ. Show all posts

Tuesday, August 4, 2009

એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહિ થયેલી, એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો, અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું. ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર રાખી લીધો.

સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો, ત્યારે એ હજી નિરાંતે સૂતો હતો. તેને ઊઠાડ્યો. ‘મારાથી તો નહિ અવાય, સાથી આવશે,’ એમ કહીને એ તો પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ-પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું : જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.
‘લ્યો ચાલો, તૈયાર જ સો નાં ?’
ગુપચુપ સામાન મૂક્યો. સાંઢ પર કાઠું મુકાયું, ને એ પડ્યા કે મર્યા એમ કરતુંકને, પોતાના શરીર જેટલી જ કઢંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું : ‘એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાય જાય નહિ.’
‘હવે એમ તે ફંહાય ? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું ?’ એમ બોલતાંકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું.

થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી : ‘ઈ તો દેવાને મારું કર્યું નો કર્યું કરવાના હેવા સે. બાકી મારી બોન બધુંય હમઝે એવી સે તો !’

ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિપંડિતો અતિ અશુદ્ધ બોલે છે. તેમ આ ઊંટ પરનો સજ્જન પણ, પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો ‘હ’ ને ‘સ’ નો ક્યારેક ‘ચ’ ને ‘છ’ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરાજરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું : ‘સેઠ ! ભો રાખસો મા હો. હા. તમતમારે ‘ચત્રી’ ઉઘાડવી હોય તો ઉઘાડજો ભઈ ! સાંઢનો ભો રાખહો મા. મારો હાથ વરતે તો.’
એ જ વખતે જરાક ઉતાવળે ચાલતાં, સાંઢનો પગ એ ગયો, એ ગયો એમ થઈ ગયું.
‘તમારે દેવો શું થાય ?’
‘કેમ વળી ? દેવાના ઘરમાં મારી બોન સે તો. દેવામાં શું અકલેય બળી સે; મારી બોન જ બધુંય હાચવે કારવે.’
‘એ…મ?’
‘તંઈ !’

એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં ‘જોયાં. કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાંનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અરધું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં ‘ઓ-ય-રે!’ કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અરધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.

‘સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.’ એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું : ‘તમારું નામ ?’
‘મારું નામ કાળો.’
‘એમ કે કાળાભાઈ…. તમે આ ધંધો –’
હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું : ‘આ સાંઢ મારો હાથ બહુ વરતે તો. દેવાને હાથ નો રિયે.’
‘હા પણ કાળાભાઈ….’
પૂરું વાક્ય જ ક્યો ભાઈ થાવા દે ? સવાલ પુછાય તે પહેલાં તો કાળાની જીભ છૂટી : ‘મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું’તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો – ઈ તો હવે બહુબહુ દખ પડ્યાં.’
‘ના પણ કાળાભાઈ. તમે અત્યારેય કાંઈ ઓછા રૂપાળા નથી તો !’

અબનૂસના લાકડા જેવો કાળો ચળકતો વાંસો, કોઈ ચિત્રકારને ‘બ્લૅક’ નો કે ‘શિલહુટ’ નો બહુ શોખ હોય તો ખપ આવે તેવો, મારે સ્ટેશને પહોંચતા સુધી, ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો; એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ‘ના, પણ તોય, હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલાં વરહ ધારો સો ?’
મેં પાંચ વરસ ઓછાં કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી, કે ગમે તેમ, હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જાશે તેમ લાગ્યું. પણ જ્યારે જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે ‘સાંઢ મારો હાથ વરતે તો, દેવાને હાથ નો રિયે’ – એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો.

હવે આને બહુ વાતોએ ચડાવવો નહિ, કારણકે એના મનમાં એની આવડતની રાઈ ભરી છે, અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે, માટે ચૂપ જ રહેવું, નહિતર જો સાંઢ ફસાઈ ગઈ, તો નીચે ઊતરવાનો વખત પણ નથી રહેવાનો. ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતાં, એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અરધું ધોતિયું ગયા વિષે મનમાં ને મનમાં કરુણપ્રશસ્તિ શરૂ કરી, ત્યાં તો કાળો બોલ્યો :

‘આ ગામ આવ્યું ઈ રોડું.’
‘હં.’
‘ન્યાં મારી માશી રિયે સે. એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો.’
‘કાળાભાઈ ! દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું, એમ ?’
મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહિ એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભારી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું, ત્યાં તો કાળાએ જવાબ વાળ્યો :
‘તે નો પડે ? શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે ? મારા બાપને ત્યાં તો પંદર સાંઢ. અમારો તો પંદર પેઢીનો ધંધો.’

‘માર્યા. એ….ગ…યા….’ મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી.
‘તમે શું કરવા ભો રાખો સો ? આ સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો એને નો ગાંઠે.’
‘હં.’ મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંસ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે, તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ, અરે રામ, આ કાળાભાઈએ ફરી શરું કર્યું.
‘હું પહેલા તો ગધેડામાં જાતો. અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે, સાંઢ્યુંમાં ભીખલાને મોકલો, ભીખલાને.’
માર્યા. મારાથી રહેવાયું નહિ : ‘ભીખલો કોણ ?’
ભાઈશ્રી કાળાભાઈ હસ્યા : ‘મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈં બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે, હો !’
‘એમ કે ?’
‘ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું.’

મારા મનમાં શંકા ઊઠી કે આવા રૂપાળા ‘ભીખલા’ ભાઈનું ‘કાળો’ નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણવ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ‘ભીખલો-કીકલો-કીલો-કાલો’ એવાં રૂપાંતર હૈયે ચડે નહિ. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. ‘કાળાભાઈ ! જોજો હો, કાદવ આવે છે.’
‘અરે, સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો કાંઈ કહેવાય નહિ.’
એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂરદૂરથી દેખાવા લાગ્યું.
‘કાળાભાઈ ! આપણો મારગ તો આ જ કે ?’
‘અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે – હો. જો ને – આઘે જાળનું ઝાડ દેખાય.’
‘હા.’
‘આ ઈ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહિ હો. ઈ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે નાં, ઈ તો મારે ત્યાં કામ કરતો હોય. અને હજીયે મારી બોન જ બધુંય જાળવે છે.’
‘એમ કે ?’
‘તંઈ ! આ જાળ દેખાય છે નાં, ન્યાં, હું ગધેડાં ચારવા આવતો. તે દી અમારે ત્યાં બે ત્રણ સાંઢ પણ ખરી.’
મનમાં વિચાર્યું કે માર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી.
‘એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે.’

હરિ ! હરિ ! હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો – કારણકે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. તેમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે, ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ; એટલે કાં તો આજે આપના રામ રમવાના છે. પણ હવે થાય શું ? સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય.

કાળાએ તો આગળ હાંક્યું : ‘પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશાં ખાડું ચારવા આવે. ને અમે બેય જણાં – આ તળાવ દેખાય છે નાં – ન્યાં બેઠાં બેઠાં વાતું કરીએ. કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઊતરતો આવ્યો. એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો. અને કાળીને કહ્યું કે જો તું મારું નો માને તો હું મરું. મને સાંભરે છે કે બીજે દિવસે કાળી ખાડું ચારવા આવી ત્યારે ઈ ઝાડ – જો, પેલુ દેખાય ઈ – ત્યાં રોઈ; અને મને બધી વાત કરી. ‘મેં તો કહ્યું, હાલ્ય ને પરદેહમાં હાલ્યાં જઈ : ન્યાં કોણ ભાવ પૂછે ?’
પણ કાળીએ કહ્યું, ‘ના, મારી મા મરી ગઈ, ને અમારામાં તો નાતરું-આછું-પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું, કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુ:ખી થાય એ મારે નો જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાઉં ?’
‘તઈં, તારા જીવ મારી હારે ભાળ્યો નથી નાં ?’ મેં પૂછ્યું.
કાળીએ જવાબ વાળ્યો : ‘તારી હારે મારો જીવ ચોંટી ગયો છે. પણ મારે બાપે મારા સાટુ આટલું વેઠ્યું ને હું હવે નગણી થાઉં તો મનખાદેહ લાજે.’

‘પછી મન મૂકીને અમે રોયાં. છૂટાં પડ્યાં ઈ પડ્યાં. આ આજની ઘડી ને કાલનો દી. તે દીથી કાળીને મેં ધરમની બોન માની. ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી, માતર માટે હરામ, લ્યો. બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો, પણ ધરમ મોટી વાત છે નાં ? આ દેવાના ઘરમાં છે કે નહિ, એ જ મારી ધરમની બોન… કાળી !’
‘હેં !’
‘હા.’
‘ત્યારે દેવો તમારો સગો નથી એમ ?’
‘ના. પણ કાળી મારી ધરમની બોન છે. હજી ઠેસણે જાવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભરી આવે. પણ કાંઈ ધરમ-વરત ચુકાય ?’

દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કાંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચુપ થઈ ગયો.

– ધૂમકેતુ

Wednesday, July 1, 2009

પોસ્ટ ઑફિસ - ‘ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર: એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી, ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો; ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, તેની બંધ બારી તથા બારણામાથી દીવાનો ઊજાસ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : ‘પોસ્ટઑફિસ.’

ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

‘પોલિસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં.

અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઈબ્રેરિયન, એમ એક પછી અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા!’

વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.
‘ગોકળભાઈ!’
‘કોણ ?’
‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં?…હું આવ્યો છું.’
જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.

‘સાહેબ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’

કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.
અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દ્દષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય! એની તીક્ષ્ણ દ્દષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાગડા’ના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઈટાલીના ગરુડ જેવી અલીની દ્દષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતાં નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો–શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાંથી ઊતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દ્દષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર તરફ જોઈ રહેતો! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ્ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટઑફિસ આવીને બેસતો.

પોસ્ટઑફિસ-કદાચ જગતમાં સૌથી રસહીન મકાન-એનું ધર્મક્ષેત્ર-તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારે મજાકમાં એનું નામ દઈ, એને એ જગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોવા છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે; એટલે આખા શહેરના દરેકે દરેક ઑફિસરનો ખાનગી ઈતિહાસ અત્યારે વંચાતો.
કોઈના માથા પર સાફો, તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ્-એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા, કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંક તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કૂલ માસ્તર,’ આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે!
અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ.

‘પોલિસ કમિશનર!’ કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો.
‘સુપરિન્ટેન્ડન્ટ’!

બીજો એક પટાવાળો આગળ આવ્યો-અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો.

અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો! અરે! સૈકાઓ પહેલાંનો ગામડિયો!

‘આ માણસ ગાંડો છે?’ પોસ્ટમાસ્તરે પૂછ્યું.

‘હા-કોણ? અલી નાં? હા સાહેબ; પાંચ વારસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે! એનો કાગળ ભાગ્યે જ હોય છે!’ કારકુને જવાબ આપ્યો.

‘કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય?’

‘અરે! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે! તે પહેલાં બહુ પાપ કરતો; એમાં કોઈ થાનકમાં દોષ કર્યો! ભાઈ, કર્યાં ભોગવવાં છે!’ પોસ્ટમેને ટેકો આપ્યો.

‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’

‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલાં જ કરતો: બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી!’
‘અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો!’
આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બેચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્તર છેવટે ઊઠ્યા ને જતાં જતાં કહ્યું:

‘માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!’

છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા, એક કારકુન વખત મળ્યે જરા ગાંડાઘેલાં જોડી કાઢતો. ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક વખત અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્દષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો’ એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસ એ હાંફતો હતો. ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.
આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું: ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે?’

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા. તેમનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.

‘ભાઈ, તમે કેવા છો?’

‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

‘હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’

‘નોંધી રાખોને, ભાઈ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે!’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે?

પોસ્ટમાસ્તર તપી ગયા: ‘ગાંડો છે શું? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય!’

પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો! અરે! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે?
એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો: ‘ભાઈ!’
કારકુન ચમક્યો; પણ તે સારો હતો.

‘કેમ?’

‘જુઓ, આ મારી પાસે છે.’ એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો.
‘ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો?’
‘શું’?
‘આ ઉપર શું દેખાય છે?’ અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.
‘આકાશ’.
‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરીયમનો કાગળ આવે તો પહોંચાડવો.’
કારકુન આશ્ચ્રર્યમાં સ્થિર ઊભો: ‘ક્યાંથી ક્યાં પહોંચાડવો?’
‘મારી કબર ઉપર!’
‘હેં?’
‘સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ ન મળી-કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો, તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું!

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈ ને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા.

ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, ‘કોચમેન અલી ડોસા!’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પહેલા ડોસાનું જ કવર—અને કદાચ એની દીકરી મરિયમનું.
‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી.
લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.
‘કેમ સાહેબ?’
‘આ તમારા કોચમેન અલી ડોસા….આજે હવે ક્યાં છે એ?’
‘તપાસ કરશું.’

તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી.
વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હ્રદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમૅન હજી આવ્યા ન હતા; પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હ્રદય પિતાના હ્રદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

‘આવો અલીભાઈ! આ તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન લાકડીના ટેકાથી નમી ગયેલો ઊંભો હતો. છેલ્લા આંસુની ધાર તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.

તેણે પોસ્ટમાસ્તર સામે જોયું. ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું!

‘કોણ સાહેબ? અલી ડોસા…!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ને આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો:
‘હા અલી ડોસા કોણ? તમે છો નાં?’
‘જી, અલી ડોસો તો મરી ગયેલ છે! પણ એનો કાગળ લાવો મારી પાસે!’
હેં કે દી? લક્ષ્મીદાસ!’
‘જી, એને તો ત્રણેક મહીના થઈ ગયા!’ સામેથી એક પોસ્ટમૅન આવતો હતો તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિઙમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો! અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડ્યું: મેં અલીને જોયો, કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો?–

પાછી રોજનીશી ચાલી : ‘પોલિસ કમીશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઈબ્રેરિયન’- કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.

પણ દરેક કાગળમાં ધડકતું હ્રદય હોય તેમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્દષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દ્દષ્ટિ છોડી બીજાની દ્દષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કાં?’
’જી, હા.’
‘—અને તમે કીધું, અલી ડોસા…’
‘જી હા,’
‘પણ –ત્યારે… ત્યારે, સમજાયું નહિ કે…’
‘શું ?’

‘હાં ઠીક. કાંઈ નહિ!’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હ્રદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા ને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

- "ધૂમકેતુ" ગૌરીશંકર જોશી