Thursday, April 30, 2009

રીંછ એકલું ફરવા ચાલ્યું...

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

Tuesday, April 21, 2009

સંબંધોમાં છે નાટક ઘણા...

સંબંધોમાં છે નાટક ઘણા,
સમજાય નહીં એવા પાત્રો ઘણા.

થાકી જાવ ભજવતા ભજવતા,
પૂરા થતા નથી નાટક ઘણા.

કલાકાર બની ગયા જીંદગીના,
સરસ ભજવી ગયા નાટક ઘણા.

સત્યની અહિયા કોને પડી છે,
આવડવુ જોઈયે કરતા નાટક ઘણા.

રંગમંચની કઠપૂતળીઓ છે માણસ,
ઈશ્વરે દોરીથી ભજવ્યા નાટક ઘણા.

ઈશ્વર, તું જોયા કરે ઉપરથી,
ઈન્સાનો કેવા કરે છે નાટક ઘણા.

"અશ્વિન" ન આવડતુ હોય તો શીખી લે,
આ દુનિયામાં ચાલે છે નાટક ઘણા.

પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો...

પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો,
ફના થઈ જાય છે કિંતું કદમ પાછા નથી ભરતો.

સમયની બેવફાઈ પર ભરોસો આવશે ક્યાથી,
જીવનમાંથી ગયેલો શ્વાસ જ્યાં પાછો નથી ફરતો.

નથી મંજૂર કે મુજ પ્રેમનું અપમાન થઈ જાયે,
કરું છું યાદ તુજને પણ કદી આહો નથી ભરતો.

હજારો દીપ છે આશાનાં એ અંધકારને માટે,
નિરાશા લાખ આવે હું નિરાશાથી નથી ડરતો.

ઉષા છે રજની મારી જિંદગીની ચાંદની જેવી,
મરણ અંધકાર લઈ આવે તો હું પરવા નથી કરતો.

Saturday, April 18, 2009

દબાય સાલા ને હજુ જોરથી દબાય

એક વખત બે કીડી બપોરે જમ્યા પછી ઝાડ ઉપ શાંતી થી પગ લાંબા કરીને બેઠી હતી.
એવામાં નીચેથી એક હાથી ડોલતો ડોલતો નીકળ્યો અને ઝાડને હલાવતો ગયો જેના
લીધે એ કીડી હાથી ઉપર પડી ગઈ. એને હાથી ઉપર પડતા જોઇને
બીજી કીડીએ ઉપરથી બુમ પાડી.
"દબાય સાલા ને હજુ જોરથી દબાય".

પપ્પુ ને સાઈકલ મલશે ???

પપ્પુ એક દીવસ સવારે રસોડામાં એની મમ્મી રસોઇ બનાવતી હતી ત્યાં ગયો.

પપ્પુની બર્થ-ડે નજીક આવતી હતી એટલે એ એના તોફાની મગજ માં વીચારતો હતો કે આ સમય ઘણોજ સરસ છે કંઇક માંગવા માટે.

પપ્પુ : મમ્મી, મારે આ વખતે મારી બર્થ-ડે ઉપર એક મસ્તન સાઇકલ જોઇએ છે.

(આમ તો પપ્પુડીયો ઘણો તોફાની હતો. અવરનવાર એની સ્કુલ માંથી એની ફરીયાદો અવ્યા કરતી હતી. )

મમ્મી : જો પપ્પુ તુ તારી બર્થ-ડે ઉપર સાઇકલ જોઇતી હોય તો તુ ભગવાન ને એક કાગળ લખી ને જણાવ કે તે તારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી કેટલા સારા અને કેટલા ખરાબ પરાક્રમો કર્યા છે. તે તારી સ્કુલ માં કેવું વર્તન કર્યુ છે. અને પછી જો ભગવાન ને લાગશે કે તને સાઇકલ મળવી જોઇએ તો ભગવાન તને જરૂરથી સાઇકલ આપશે.

આટલુ સાંભળીને પપ્પુ ભગવાન ને લેટર લખવા એની રૂમમાં જતો રહ્યો.

______________________________________

લેટર 1

વ્હાલા ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું અને મારું હોમવર્ક પણ રેગુલર કરતો રહ્યો છું જેની નોંધ લેશો અને મારી આ બર્થ-ડે પર મને એક નવી સાઇકલ મોકલાવશો.

લાલ કલરની સાઇકલ મોકલવાશો તો મને વધારે ગમશે.

તમારો માનીતો,

પપ્પુ.

______________________________________

પણ પપ્પુ ને ખબર હત્તી કે એણે શુ પરાક્રમો કર્યા છે અને એના વીશે કેવી ફરીયાદો થયેલી છે.

એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને બીજો લેટર લખવા બેઠો.

______________________________________

લેટર 2

વ્હાલા ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

મેં મારૂ હોમવર્ક ભલે રેગુલર નથી કર્યુ પણ હું સ્કુલ માં એકદમ રેગુલર રહ્યો છું અને સ્કુલ માં કોઇ તોફાન પણ નથી કર્યા.

ઉપર જણાવેલી બાબતો ની નોંધ લેશો અને મને મારી આ બર્થ-ડે ઉપર એક સાઇકલ મોકલાવશો.

તમારો વ્હાલો,

પપ્પુ.

______________________________________

પણ પપ્પુ જાણતો હતો કે એણે લેટરમાં જે લખ્યું તે સાચ્ચુ નથી.

એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને ત્રીજો લેટર લખવા બેઠો.

______________________________________

લેટર 3

માનનીય ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

અને હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું.

મને મારી આ બર્થ-ડે ઉપર મારી માટે સાઇકલ મોકલવાશો.

તમારો માનીતો અને વ્હાલો,

પપ્પુ.

______________________________________

હવે પપ્પુ ને એ પણ ખબર હતીકે આ બધુ પણ સાચ્ચુ નથી.

એટલે એણે એ લેટર પણ ફાડી નખ્યો અને પછી ચોથો લેટર લખવા બેઠો.

______________________________________

વ્હાલા ભગવાન,

તમે ત્યાં મજા માં હશો.

મને ખબર છે કે મેં મારી છેલ્લી બર્થ-ડે થી અત્યારે સુધી કેવા કેવા પરાક્રમો કર્યા છે.

મને એ પણ ખબર છે કે હું મારી સ્કુલ માં કેટલો રેગુલર છું અને મારૂ હોમવર્ક પણ કેટલું કરેલુ છે.

છતા પણ આ વરસ મારી બર્થ-ડે ઉપર એક સાઇકલ જોઇએ છે જે મોકલાવવા નમ્ર વિનંતી.

તમારો માનીતો,

પપ્પુ.

______________________________________

પણ પપ્પુ ને પાક્કી ખાતરી હતી કે આ બધુ લખેલું છે એમા કેટલુ સાચ્ચુ છે. અને એને એ પણ ખાતરી હતી કે આ વસ્તુ એને સાઇકલ નહીં અપાવી શકે.

એટલે એણે ચોથો લેટર પણ ફાડી નખ્યો.

______________________________________

હવે પપ્પુ એકદમ અપસેટ થઇ ગયો.

પપ્પુ હવે ઉભો થઇ ને એના રૂમ માંથી નીકળી ને બહાર એની મમ્મી પાસે ગયો અને ઉદાસ ચહેરે મમ્મી ને કહ્યું કે મમ્મી મારે મંદીરે જવું છે.

મમ્મી ને લાગ્યું કે પપ્પુ ને એની ભુલો ઉપર પસ્તાવો થયો હોઇ એ ભગવાન પાસે માફી માંગવા માંગે છે.

એટલે એની મમ્મી એને લઇ ને મહાદેવજી ના મંદીર મા ગઇ.

પપ્પુ મંદીર માં જઇને બેઠો અને ભગવાન ને પગે લાગ્યો પછે આજુ બાજુ એની ચકોર નજર ફેરવી ને જોયું કે કોઇ જોતુ તો નથી ને. અને પછી ધીરે રહી ને એણે ત્યાં એક ગણેશજી ની નાની મુર્તી હતી તે એના ખીસ્સા માં મુકી દીધી.

હવે પપ્પુ ખુશ જણાતો હતો એટલે પપ્પુ અને એની મમ્મી બંને ઘરે પાછા આવી ગયા.

ઘરે આવતાંજ પપ્પુ દોડી ને એની રૂમમાં જતો રહ્યો અને ખીસ્સામાંથી ગણેશજી ની મુર્તી કાઢી ને ટેબલ ઉપર મુકી.

હવે પપ્પુ એ ફાઇનલ લેટર લખ્યો.

______________________________________

લેટર 5 (ફાઇનલ)

ભગવાન,

હું પપ્પુ,

મેં તમારા છોકરા ને કીડ્નેપ કરી લીધો છે.

જો તમે એમને મળવા માંગતા હોય તો મને મારી આ બર્થ-ડે ઉપર લાલ કલરની સાઇકલ મોકલાવશો.

પપ્પુ.

Wednesday, April 15, 2009

ઝૂલણ મોરલી વાગી રે...

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે...

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

હે તને જાતાં જોઇ પનઘટની વાટે...

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..

બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..

રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

Saturday, April 11, 2009

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

હેલો મારો સાંભળો રણુજાના રાય...

હેઈ...........હેજી રે
હે.... રણુજાના રાજા, અજમાલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો હો... હો.. હોજી

હેઈ... હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાતરાયુ થાય
મારો હેલો સાંભળો હો.. હો.. હોજી

હે......... હે જી રે....
હે... વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાતરા કરશું એક
મારો હેલો સાંભળો હો..હો..જી

હે....... હેજી રે.....
વાણિયો ને વાણિયણ જાતરાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય
મારો હેલો સાંભળો હો.. હો..જી

હે..... હેજી રે...
હે... ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયાને તીજો થયો સાથ
મારો હેલો સાંભળો હો... હો...જી

હે...... હેજી રે......
ઊંચા ઊંચા ડુંગરા ને વચમા છે ઢોલ
મારી નાખ્યો વાણિયા ને માલ લઈ ગયા ચોર
મારો હેલો સાંભળો હો.. હો...જી

હે...................
ઊભી ઊભી અબળા કરે રે પુકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ
મારો હેલો સાંભળો હો.. હો..જી

હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયાની વ્હારે ચઢ્યા રામ દે પીર
મારો હેલો સાંભળો હો... હો... જી

હે...ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો
ચારે ભુવનમાંથી શોધી લાવું ચોર
મારો હેલો સંભળો હો... હો...જી

હે... ભાગ ભાગ ચોરડા તું કેટલેક જઈશ
વાણિયાનો માલ તું કેટલા દા’ડા ખઈશ
મારો હેલો સાંભળો હો.. હો.. જી

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

આભાર : પ્રીતનાં ગીત

Thursday, April 9, 2009

જય શ્રી હનુમાન


હનુમાનજીનો જન્‍મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

હનુમાનજીનુ ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે "શંકર સુવન" "વાયુપુત્ર" અને "કેશરી નંદન" પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.

શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાન જયંતીનો પર્વ ભારતમાં વિક્ર્મ સંવત/શક સંવત ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ માનવવામાં આવે છે.

ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનુ નાનુ-મોટુ મંદિર અથવા મુર્તિ ન હોય. સત્યતો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાણમા વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે. હનુમાનજીનુ કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!

"देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥"

દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.

Wednesday, April 8, 2009

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના...

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઉંઘ માંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમ નાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝુલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમનાં.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડ ને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીઝતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

-મણિલાલ દેસાઇ

Friday, April 3, 2009

છાનું રે છપનું કંઇ થાય નઇ...

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ… છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…

ખોબો ભરીને અમે એટલું હસ્યાં - જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

તારા વિના શ્યામ મને એકલડું લાગે

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,ચાંદની નીકળી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામતારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,રંગ કેમ જાય તારા સંગનો (2)
પાયલ ઝનકાર સુની,
નાદ સુનીરાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

મર્યાદા પુરૂષોતમ શ્રી રામ - રામનવમી


ભારતીય લોક સંસ્‍કૃતિમાં રામ અને કૃષ્‍ણ સર્વમાન્‍ય દેવતા છે. આ બંને ઈશ્‍વરીયા મહાપુરુષો એ ભારતીય સંસ્‍કૃતિમાં જે અમીટ છાપ છોડી છે તે યુગો-યુગો સુધી અમર રહેશે. આ ભારતીય સંસ્‍કૃતિમાં એટલી હદે એકરુપ થઈ ગયા છે, કે આજે પણ ભારતના કોઈપણ શહેર કે ગામડામાં બે વ્‍યકિત મળે ત્‍યારે રામ રામ કે જયશ્રી કૃષ્‍ણ નો પ્રતિસાદ અવશ્‍ય કરે છે. એકબાજુ ગોપીઓનો તરખટ કનૈયો અને બીજી બાજુ ધીરગંભીર શ્રી રામ, ભારતવાસીઓના જીવનના દરેક પાસાઓને અનેક રંગે રંગે છે, અને જીવનની પરિપૂર્ણતાનો અહેસાસ કરાવે છે.

દરેક ભારતવાસીને જયારે પણ નકારાત્‍મકતાનો અહેસાસ થાય ત્‍યારે તેના મોમાંની શ્રી રામનું નામ અવશ્‍ય બોલાય છે. ગાંધીજીએ પોતાના જીવનના દરેક પાંસાઓમાં સત્‍યનિષ્‍ઠા ઝળકી ઉઠે છે. પછી તે પિતા પ્રત્‍યેની માતા પ્રત્‍યેની કે હોય કે ગુરુ કે પછી સમાજ પ્રત્‍યેની દરેક ભારતવાસી તેમનું ઉદાહરણ ટાંકે છે. આજે પણ રામરાજય વ્‍યવસ્‍થાને શ્રેષ્‍ઠ રાજયવ્‍યવસ્‍થા તરીકે ગણવામાં આવી છે. જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍યનો, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતાનો અને સદાચાર ઉપર દુરાચારનો અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો તે સમય હતો બપોરનાં બાર વાગ્‍યાનો તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરની દક્ષિ‍ણ અને પૂર્વથી પચ્શ્મિ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહિ પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક ફરજો બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.

શ્રી રામે તેમના જીવનમાં લગભગ બધુ જ ત્‍યાંગીને છતાં પૂર્ણ પુરુષોત્‍તમ બન્યા. ઋષિ વાલ્‍મીકીએ રામાયણની રચના કરી શ્રી રામના આર્દશ જીવનના દરેક પાસાઓને આપણી સમક્ષ રજુ કર્યા. રામના આર્દશો એટલા ઉંચા હતા કે તેમને સુખ દુઃખ વચ્‍ચે બહુ તફાવત જણાતો નહિ. રામરાજા દશરથના મોટાપુત્ર હોય રાજયાસન પર બેસવાનો તેમને હકક હતો. આ માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ છેલ્‍લી ઘડીએ તેમને રાજયાસનનેં બદલે ૧૪ વર્ષ સુધી વનમાં ભટકવાનો પ્રસંગ ઉભો થયો છતાં પણ તેઓએ એકક્ષણનો પણ વિલંબ ન કર્યો, તેમણે હસતા મુખે બધુ જ છોડી દીધુ. કારણકે તેમને વ્‍યકિતગત સુખ કરતા પિતાના વચનો અને તેમના પ્રત્‍યેનો એક પુત્ર તરીકેનો આદર મુખ્‍ય હતા. અહિં તેમણે એક આદર્શ પુત્ર નું ર્દષ્‍ટાંત સમાજ સમક્ષ રજુ કર્યુ છે. રામના જીવનમાં કોઇના પ્રત્‍યે વ્‍યકિતગત વ્દેષને કોઈ સ્‍થાન નહોતું. માતા કૈંકેયીએ તેમને ૧૪ વર્ષ વનવાસ આપ્‍યો હોવાં છતાં પણ વનમાં ગયા પહેલા કે ત્‍યારપછી રાજગાદીએ બેઠા પણ માતા પ્રત્‍યે એક આદર્શ પુત્ર વર્તન કરે તેવું જ વર્તન કરેલું. રામના મૈત્રી ભાવ પણ ઉચ્‍ચકક્ષાનો હતો. સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામનો જયારે સુગ્રીવ સાથે મિલાપ થયો. ત્‍યારે તેમણે એક આદર્શ મિત્ર તરીકે સુગ્રીવનો સાથ આપેલો અને વાલીનો નાશ કરેલો. અહિં એક મિત્ર તરીકે સૌ પ્રથમ પોતે ફરજ બજાવી અને ત્‍યારબાદ સુગ્રીવની મદદ સીતાજીની શોધ કરવા અને તેમને રાવણના હાથમાંથી પાછા લાવવા માટે લીધેલી. શ્રી રામ અને સુગીવની મૈત્રીના બંધનો જીવનપર્યત અતુટ રહેલા. છેલ્‍લે જયારે રાજા સ્‍વર્ગારોહણે કરે છે ત્‍યારે સરયૂ નદીમાં પણ સુગ્રીવ તેમની સાથે જ હોય છે.

રામની અંદર કરુણાનો ભાવ પણ અનહદ હતો. રાવણના ચારિત્‍યહીન તેમજ દૂષ્‍ટતાપૂર્ણ જીવનથી કંટાળી વિભીષણ રામના પક્ષે ચાલી જાય છે, અને જયારે રામના હાથે રાવણનું મૃત્‍યુ થાય છે, ત્‍યારે તેનો અગ્નિ સંસ્‍કાર કરવાનો પણ સાફ ઈન્‍કાર કરે છે, ત્‍યારે તેને સમજાવતા જણાવે છે કે જીવનમાં વેર-ઝેર કે શત્રુતા વ્‍યકિત જીવીત હોય ત્‍યાં સુધી અસ્તિત્‍વ હોય છે. વ્‍યકિતના મૃત્‍યુ સાથે તે તમામ બાબતો પૂર્ણ વિરામ લાગી જાય છે. વિભીષણ, જો તુ એક ભાઇ તરીકે રાવણનો અગ્નિ સંસ્‍કાર નહિ કરે તો એ ભાઈ તરીકેની ફરજ મારે બજાવવી પડશે. કેવો ઉત્‍કૃટ આર્દશ. હકિકતમાં રામના જીવનમાં વ્‍યકિતગત લાભાલાભ જેવું કશું હતું જ નહિ, તેનું જીવન એક જાહેર જીવન હતું અને સમાજ પ્રત્‍યેની ફરજ તેમની પહેલી ફરજ હંમેશા બની રહેલ. એટલે જ જયારે રામના સીતાજીના ત્‍યાગને વિવાદના વમળોમાં ઘસેડવામાં આવે છે. ત્‍યારે રામે પોતાના વ્‍યકિતગત હિતને બાજુએ મુકીને એક રાજાની પોતાની પ્રજા પ્રત્‍યેની ફરજ સર્વોચ્‍ચ સ્‍થાને છે તે આદર્શ રજુ કર્યો. હકિકતમાં તેમને સીતાજી પ્રત્‍યે પ્રેમ નહોતો એવું નહોતું એટલે જ જયારે રાજસુર્ય યજ્ઞ થયો ત્‍યારે સીતાજીની સોનાની મૂર્તી બનાવીને યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યુ. રામે તેમના જીવનમાં બધાનો જ ત્‍યાગ કર્યો અને બધુ જ મેળવ્‍યું પરંતુ મેળવ્‍યા બાદ પણ કશાનો મોહ કે લોભ રાખ્‍યો નહિ. વાલીના મૃત્‍યુ બાદ હાથમાં આવેલું કિષ્કિંધા નગરીનું રાજય સુગ્રીવને સોંપી દીધુ. લંકાનું રાજય વિભીષણને આપી દીધું. આમ, રામનવમી એટલે માત્ર રામનો જન્‍મ દિવસ જ નહિ પરંતુ એક મહાન વ્‍યકિતના આદર્શ જીવનની શરુઆત, ચાલો આપણે આ રામનવમીના દિવસે શ્રી રામને યાદ કરીએ અને તેના આદર્શ જીવનને અનુસરવાનું પ્રેરણા લઈએ.

Wednesday, April 1, 2009

બાળ વાર્તા - બિરબલ ની ચતુરાઈ

ધનવાન હોય કે ગરીબ, મોટો હોય કે નાનો, સ્ત્રી હોય કે પુરુષ, બધા જ પોતાની મૂંઝવણનો ઉકેલ શોધવા બીરબલ પાસે મદદ માંગવા આવતાં હતાં.

એક દિવસ એક વિધવા સ્ત્રી બીરબલ પાસે આવી: ‘મદદ...મદદ... બીરબલ બેટા! મારી મદદ કર. મને ઠગી લેવામાં આવી છે.’

‘કોણે ઠગી લીધા?’ બીરબલે તે સ્ત્રીને પાસે બેસાડી પૂછ્યું.

‘વાત થોડી લાંબી છે, બેટા! છ મહિના પહેલા મેં તીર્થયાત્રો જવાનો નિર્ણય કર્યો, પરંતુ મને મારી પાઇ-પાઇ ભેગી કરીને જમા કરેલી પૂંજીની ચિંતા હતી. સમજણ નહોતી પડતી કે એને કયાં મુકુ?

‘હં, પછી શું થયું?’

‘ઘણુ વિચાર્યા પછી છેવટે હું એક સાધુ મહારાજ પાસે ગઇ. લોકો કહેતા હતા કે એ સાધુ મહારાજ ઘણા ઇમાનદાર છે. તેમની પાયે જઇને મેં કહ્યું કે ‘મહારાજ! આ તાંબાના સિક્કાની થેલી મારા આખા જીવનની પૂંજી છે. મહેરબાની કરી તમે એને તમારી પાસે રાખો. તમારી પાસે એ સુરક્ષિત રહેશે. યાત્રાએથી પાછા આવ્યા બાદ હું તેને લઇ જઇશ.’

ત્યારે સાધુ મહારાજ બોલ્યા:

‘માઇ! તારી મુશ્કેલીમાં તને મદદ નથી કરી શકતો તેનું દુ:ખ છે, હું આ સંસારી ખટપટોમાં કે ઝંઝટોમાં પડતો નથી. રૂપિયા-પૈસા, માયાને તો હું હાથ પણ નથી લગાડતો, પરંતુ તારી મજબૂરી એવી છે કે હું તને મદદ કર્યા વિના પણ નથી રહી શકતો.’

‘તું એક કામ કર. મારી ઝૂંપડીમાં ગમે ત્યાં ખાડો ખોદી આ થેલી દાટી દે, અને તીર્થયાત્રા કરીને પાછી આવે ત્યારે તારી જાતે જ આ થેલી કાઢી લેજે.’ એ સાધુ મહારાજે મને કહ્યું.

એમના કહેવાથી મેં ઝૂંપડીના એક ખૂણામાં ખાડો ખોધો અને થેલી તેમાં દાટી દીધી. હવે મને નિરાંત હતી કે મારા પૈસા સુરક્ષિત રહેશે.’

‘તીર્થયાત્રાએથી પાછા ફર્યા બાદ હું સાધુ મહારાજ પાસે મારું ધન લેવા માટે ગઇ.’

‘તું કયા ધનની વાત કરે છે?’ સાધુ મહારાજે મને પૂછ્યું.

‘તાંબાના સિક્કાની એ થેલી, જેને મેં તમારી ઝૂંપડીમાં દાટી હતી.’ મેં કહ્યું.

‘તને તો ખબર જ હશે કે કયાં દાટી હતી? ખોડીને લઇ લે અને સાંભળ, મારી આગળ ધનનું નામ પણ ન લેતી. હું આ શબ્દ જરાયે સાંભળવા માંગતો નથી.’ સાધુ મહારાજે કહ્યું.

મેં જયાં થેલી દાટી હતી, એ જગ્યાએ ખાડો ખોધો તો મારી આંખે અંધારા છવાઇ ગયા. ત્યાંથી સિક્કાની થેલી ગાયબ હતી. મને મારી આંખ પર ભરોસો ન આવ્યો. મેં ખાડો વધુ ઊંડો ખોધો, પરંતુ થેલી ન મળી.

હું દોડતી મહારાજ પાસે આવી. ‘મહારાજ...મહારાજ... મારા પૈસા? મારી થેલી કયાં ગઇ?’

‘ચાલ દૂર ખસ ડોશી. મને આ સંસારી મોહમાયા તેમજ ઝંઝટમાં ન ફસાવ.’

‘પરંતુ , મહારાજ! મેં તો થેલી અહીં જ દાટી હતી... ત્રણ મહિના પહેલાં... તમારી નજર સામે જ...’

‘બનવાજોગ છે, પરંતુ આ પ્રપંચભર્યા સંસારમાં શું બની રહ્યું છે તેની મને સહેજે જાણ નથી અને હું જાણવા પણ નથી માગતો. હું તો માત્ર રામ-નામનું ઘ્યાન રાખું છું. મારા કાન એક જ નામ સાંભળે છે-રામ! મારી આંખો એક છબી જુએ છે - રામ!’

‘પછી શું થયું?’ બીરબલે પૂછ્યું.

‘પછી શું થાય? હું રડતી-કકળતી પાછી આવી.’

‘માજી! તમારા કહેવાનો અર્થ એ છે કે સાધુએ જ તમારા પૈસા હજમ કરી લીધા છે?’ બીરબલે પૂછ્યું.

‘ચોક્કસ, એમાં શંકાને કોઇ સ્થાન નથી. દુ:ખ એ વાતનું છે કે મારી પાસે કોઇ સાબિતી નથી.’ ઘરડી સ્ત્રીએ બીરબલને બધી વિગત કહી સંભળાવી.

બધી વાત સાંભળીને બીરબલ ઊંડા વિચારોમાં ગરકાવ બની ગયો. થોડીવાર બાદ તેણે કહ્યું: ‘સારું, હું વહેલી તકે સત્ય શોધી કાઢીશ. હવે તમે મારી વાત ઘ્યાનથી સાંભળો.’ બીરબલે તેને નજીક બોલાવીને કશી સમજણ પાડી.

બીરબલે તેને થોડા દિવસ બાદ આવવાનું કહ્યું. થોડા દિવસ બાદ વિધવા સ્ત્રી ફરી બીરબલ પાસે આવી. બીરબલ તેને લઇને સાધુ મહારાજ રહેતા હતા તે સ્થાને આવ્યો.

‘એ સામે દેખાય છે એ જ ઝૂંપડી છે.’ સ્ત્રીએ બીરબલને કહ્યું.

‘સારું હવે તમે આ ઝાડ પાછળ સંતાઇ જાવ અને ઘ્યાન રાખજો, તમે ઝૂંપડીમાં એ જ વખતે દાખલ થજો જયારે હું બીજીવખત પ્રણામ કરું.’

‘ભલે સરકાર.’

‘બરાબર યાદ રાખજો. બીજી વાર પ્રણામ કરું ત્યારે જ તમારે ઝૂંપડીમાં આવવાનું. એક ક્ષણ વહેલા નહિ કે એક ક્ષણ મોડા પણ નહી.’

‘હું બરાબર યાદ રાખીશ અને તમે કહ્યુ તેમ બરાબર સમયસર ઝૂંપડીમાં પ્રવેશ કરીશ.’

બીરબલ સાધુ મહારાજની ઝૂંપડીમાં પહોંરયો.

‘રામ રામ મહારાજ!’ બીરબલે અંદર પ્રવેશ કરી કહ્યું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

‘દીઘાર્યુ ભવ બચ્ચા!’ સાધુએ આશિર્વાદ આપ્યા.

‘તમારી આઘ્યાત્મિકતા અને તપના ગુણગાન મેં ઘણાં લોકોના મુખે સાંભળ્યા હતા. આજે આપનાં દર્શન કરવાનું અને આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ ગયું.’

સાધુ મહારાજની નજર બીરબલ પાસેની લાકડાની પેટી પર પડી. તે વિચારવા લાગ્યા કે જરૂર પેટીમાં સોનાનાં આભૂષણો હશે.

‘મહાત્માજી! અમારા જેવા સંસારી જીવોની પાછળ કોઇને કોઇ ઝંઝટ સમસ્યા લાગેલી જ હોય છે. હું તમને એક કષ્ટ આપવા આવ્યો છું, પરંતુ કહેતા સંકોચ થાય છે. કદાચ...’

‘બોલ બચ્ચા! સંકોચ ન રાખ. કદાચ હું તારી મદદ કરી શકું.’ સાધુ મહારાજે પેટી પર નજર રાખતાં અને દાઢી ઉપર હાથ ફેરવતા કહ્યું :

‘ના, ના જવા દો મહારાજ. આપ તો સંસાર ત્યાગી ચૂકયા છો. મોહ-માયા છોડી દીધી છે. નાહક સંસારી વિટંબણાઓમાં તમને શા માટે નાખું?’ બીરબલે કહ્યું.

સાધુ મહારાજે વિચારવા લાગ્યા કે શિકાર હાથમાંથી છટકી રહ્યો છે. એ કદાચ પેટી લઇને પાછો જતો રહેશે.

‘બેટા! નિશ્ચિંત બનીને તારી સમસ્યા કહે. હું મારાથી બનતી મદદ કરીશ.’

‘પરંતુ...પરંતુ...આ છળ કપટથી ભરેલી દુનિયામાં હું વિશ્વાસ કરું તો પણ કોનો કરું? મને માર્ગદર્શન આપો.’

‘આ માણસનું હ્યદય ડામાડોળ થઇ રહ્યું છે. મારે ગમે તે રીતે પણ આ પેટી કબજે કરવી જ પડશે.’ સાધુ મહારાજ મનોમન વિચાર કરવા લાગ્યા.

‘દીકરા! દિલમાં સહેજે ખચકાટ રાખ્યા વગર જે કાંઇ હોય તે કહી શંભળાવ. હું અવશ્ય તારી મદદ કરીશ. બીજાના કષ્ટોનું નિવારણ કરવું એ તો અમારો ધર્મ છે.’ સાધુએ કહ્યું.

‘મહાત્મા! મારે મારા ભાઇને મળવા અજમેર જવું છે. મારી પાસે આ બહુમૂલ્ય રત્નોની પેટી છે. શું હું આ પેટી તમારી પાસે મૂકીને જઇ શકું છું?’

‘ઓહ! બહુમૂલ્ય રત્નો. મેં ઠીક જ વિચાર્યુ હતું.’ સાધુ બીરબલની વાત સાંભળી મનોમન વિચારવા લાગ્યો.

‘દીકરા! ધન-સંપત્તિ એ બધી મોહમાયા છે અને મોહમાયાને હું ત્યાગી ચૂકયો છું. એના નામથી પણ મને ધૃણા છે. પરંતુ પરંતુ મેં તને સહાયતા કરવાનું વચન આપ્યું છે. હું પ્રભુનો સેવક છું. હું ધનને હાથ પણ લગાવતો નથી. એક કામ કર. તું તારા હાથે આ પેટી અહીં કયાંક દાટી દે. અહીં તારું ધન તદન સલામત રહેશે.’

‘આપ ખરેખર ઘણા જ દયાળુ છો. મહાન છો.’ બીરબલે કહ્યું : ‘હું હંમેશા તમારો આભારી રહીશ. હું તમારી મહાનતાને પ્રણામ કરું છું.’ આટલું કહી બીરબલે બીજીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

બહાર ઝાડ પાછળ સંતાયેલી સ્ત્રી અંદર ચાલતો વાર્તાલાપ ઘ્યાનથી સાંભળી રહી હતી. બીરબલે જયારે બીજી વાર પ્રણામ કર્યા ત્યારે એ જાણી ગઇ કે બીરબલે તેને ઝૂંપડીમાં આવવાનો સંકેત આપી દીધો છે. તે તરત જ ઝૂંપડીમાં પ્રવેશી.

ડોશીને જોઇને સાધુ ચોંકી ઉઠયો અને મનોમન વિચારવા લાગ્યો : ‘આ દુષ્ટાને પણ અત્યારે જ આવવાનો સમય મળ્યો. જો અત્યારે તેણે તેની પૂંજી માટે કકળાટ ચાલુ કર્યો તો મારી આખી બાજી બગડી જશે. ડોશીના થોડાક તાંબાના સિક્કા માટે મારે બહુમૂલ્ય રત્નોથી હાથ ધોવા પડશે. ના, ના, આવું નહી બનવા દઉં.’

‘સારું થયું તું પાછી આવી માઇ. હું તારા ધનની થેલી વિશે જ વિચારતો હતો. મને પાકો વિશ્વાસ છે કે તે દિવસે તેં ભૂલ કરી હશે.’

‘પરંતુ મહારાજ...’

‘તું સાચી જગ્યા ભૂલી ગઇ હશે. મને યાદ છે, ત્યાં સુધી તેં તારું ધન આ ખૂણામાં સંતાડયું હતું. તું આ ખૂણામાં ખાડો ખોદ.’ મહારાજે બીજી દિશા તરફના ખૂણા તરફ આંગળી બતાવી.

ડોશીએ એ સ્થાને ખોદવા માંડયું. થોડું ખોદતાં જ તેને એના ધનની થેલી મળી આવી.

‘તમે સાચું કહેતા હતા, મહારાજ! મારી થેલી ખરેખર એ સ્થાને જ હતી.’ ડોશી ખુશ થતાં બોલી.

‘મૂર્ખ સ્ત્રી! પોતાનું ધન એક જગ્યાએ સંતાડી બીજા સ્થાને શોધે તો પછી કયાંથી મળે? ધનથી ચિંતા ઉત્પન્ન થાય છે અને ચિંતા માણસની સ્મરણશકિત નષ્ટ કરી નાખે છે. માણસ પાગલ જેવો બની જાય છે.

પછી બીરબલ સામે જોઇ સાધુ બોલ્યો : ‘એનું ધન ન મળવાથી ડોશી મારા પર જ ચોરીનો આરોપ મૂકતી હતી.’ મહારાજે બીરબલને પોતાની સફાઇ આપતાં કહ્યું.

‘ખરેખર, ઘડપણમાં બુદ્ધિ નષ્ટ થઇ જાય છે.’ બીરબલે પણ એના સૂરમાં સૂર પૂરાવ્યો.

પેલી વિધવા સ્ત્રી પૈસા લઇને રવાના થઇ એટલે સાધુએ બીરબલને કહ્યું : ‘બેટા! તારી પેલી પેટી આ ઝૂંપડીમાં જયાં ઇરછા હોય ત્યાં દાટી દે. અને સ્થાન ખાસ યાદ રાખજે. મને આ સંસારી વાતોથી શું લેવા-દેવા?’

એ જ વખતે બીરબલનો એક સેવક ઝૂંપડીમાં પ્રવેશ્યો.

‘માલિક! તમારા ભાઇ તમને મળવા આવ્યા છે. હમણાં જ તમને મળવા માંગે છે. ઘરે રાહ જોઇને બેઠા છે.’

‘અરે, એ અહીંયા આવ્યા છે? સારું થયું. હવે મારે અજમેર નહિ જવું પડે.’

આટલું કહીને બીરબલે પેટી સેવકને આપી અને મહારાજને પ્રણામ કરતાં કહ્યું: ‘તમારી કૃપા માટે ઘણો ઘણો આભાર મહારાજ. હવે પછી કયારેય તમારી સેવાની જરુર પડશે તો હું તમારી પાસે આવીશ. તમારા જેવા ત્યાગી અને જ્ઞાની મહારાજ ભાગ્યે જ મળે છે.’ અને બીરબલ ઝૂંપડીની બહાર નીકળી ગયો.

સાધુ માથું કુટતો રહી ગયો. રત્નોની પેટી લેવા જતાં તાંબાના પૈસા પણ હાથમાંથી ગયા. મિષ્ટાન્નની લાલચે સૂકો રોટલો પણ હાથમાંથી ગયો.