Wednesday, May 26, 2010
આપણી ધારણા પ્રમાણે ભેટનું પૅકિંગ થયું નથી
એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.
ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીનેકહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળીગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એકસ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.
નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએએના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.
ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:
‘હે ભગવાન! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!
કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.
*************************************
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ !
Monday, April 19, 2010
એક શાળાના ગરીબ વિદ્યાર્થીની ભગવાનને ટપાલ
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે
વાદળાની વચ્ચે
મુ.આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.
મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યુંછે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી
મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…!
હું જાણું છું તારે’યઘણાયને પૂછવું પડે એમ છે.
જલ્દી કરજે
ભગવાન…સમય બહું ઓછો છે
તારી પસે…અને મારી પાસે પણ…!
લી.
એક શાળાનો ગરીબ વિદ્યાર્થી
Tuesday, August 4, 2009
એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ
આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહિ થયેલી, એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો, અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું. ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર રાખી લીધો.
સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો, ત્યારે એ હજી નિરાંતે સૂતો હતો. તેને ઊઠાડ્યો. ‘મારાથી તો નહિ અવાય, સાથી આવશે,’ એમ કહીને એ તો પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ-પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું : જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.
‘લ્યો ચાલો, તૈયાર જ સો નાં ?’
ગુપચુપ સામાન મૂક્યો. સાંઢ પર કાઠું મુકાયું, ને એ પડ્યા કે મર્યા એમ કરતુંકને, પોતાના શરીર જેટલી જ કઢંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું : ‘એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાય જાય નહિ.’
‘હવે એમ તે ફંહાય ? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું ?’ એમ બોલતાંકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું.
થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી : ‘ઈ તો દેવાને મારું કર્યું નો કર્યું કરવાના હેવા સે. બાકી મારી બોન બધુંય હમઝે એવી સે તો !’
ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિપંડિતો અતિ અશુદ્ધ બોલે છે. તેમ આ ઊંટ પરનો સજ્જન પણ, પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો ‘હ’ ને ‘સ’ નો ક્યારેક ‘ચ’ ને ‘છ’ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરાજરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું : ‘સેઠ ! ભો રાખસો મા હો. હા. તમતમારે ‘ચત્રી’ ઉઘાડવી હોય તો ઉઘાડજો ભઈ ! સાંઢનો ભો રાખહો મા. મારો હાથ વરતે તો.’
એ જ વખતે જરાક ઉતાવળે ચાલતાં, સાંઢનો પગ એ ગયો, એ ગયો એમ થઈ ગયું.
‘તમારે દેવો શું થાય ?’
‘કેમ વળી ? દેવાના ઘરમાં મારી બોન સે તો. દેવામાં શું અકલેય બળી સે; મારી બોન જ બધુંય હાચવે કારવે.’
‘એ…મ?’
‘તંઈ !’
એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં ‘જોયાં. કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાંનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અરધું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં ‘ઓ-ય-રે!’ કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અરધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.
‘સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.’ એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું : ‘તમારું નામ ?’
‘મારું નામ કાળો.’
‘એમ કે કાળાભાઈ…. તમે આ ધંધો –’
હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું : ‘આ સાંઢ મારો હાથ બહુ વરતે તો. દેવાને હાથ નો રિયે.’
‘હા પણ કાળાભાઈ….’
પૂરું વાક્ય જ ક્યો ભાઈ થાવા દે ? સવાલ પુછાય તે પહેલાં તો કાળાની જીભ છૂટી : ‘મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું’તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો – ઈ તો હવે બહુબહુ દખ પડ્યાં.’
‘ના પણ કાળાભાઈ. તમે અત્યારેય કાંઈ ઓછા રૂપાળા નથી તો !’
અબનૂસના લાકડા જેવો કાળો ચળકતો વાંસો, કોઈ ચિત્રકારને ‘બ્લૅક’ નો કે ‘શિલહુટ’ નો બહુ શોખ હોય તો ખપ આવે તેવો, મારે સ્ટેશને પહોંચતા સુધી, ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો; એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ‘ના, પણ તોય, હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલાં વરહ ધારો સો ?’
મેં પાંચ વરસ ઓછાં કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી, કે ગમે તેમ, હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જાશે તેમ લાગ્યું. પણ જ્યારે જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે ‘સાંઢ મારો હાથ વરતે તો, દેવાને હાથ નો રિયે’ – એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો.
હવે આને બહુ વાતોએ ચડાવવો નહિ, કારણકે એના મનમાં એની આવડતની રાઈ ભરી છે, અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે, માટે ચૂપ જ રહેવું, નહિતર જો સાંઢ ફસાઈ ગઈ, તો નીચે ઊતરવાનો વખત પણ નથી રહેવાનો. ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતાં, એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અરધું ધોતિયું ગયા વિષે મનમાં ને મનમાં કરુણપ્રશસ્તિ શરૂ કરી, ત્યાં તો કાળો બોલ્યો :
‘આ ગામ આવ્યું ઈ રોડું.’
‘હં.’
‘ન્યાં મારી માશી રિયે સે. એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો.’
‘કાળાભાઈ ! દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું, એમ ?’
મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહિ એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભારી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું, ત્યાં તો કાળાએ જવાબ વાળ્યો :
‘તે નો પડે ? શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે ? મારા બાપને ત્યાં તો પંદર સાંઢ. અમારો તો પંદર પેઢીનો ધંધો.’
‘માર્યા. એ….ગ…યા….’ મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી.
‘તમે શું કરવા ભો રાખો સો ? આ સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો એને નો ગાંઠે.’
‘હં.’ મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંસ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે, તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ, અરે રામ, આ કાળાભાઈએ ફરી શરું કર્યું.
‘હું પહેલા તો ગધેડામાં જાતો. અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે, સાંઢ્યુંમાં ભીખલાને મોકલો, ભીખલાને.’
માર્યા. મારાથી રહેવાયું નહિ : ‘ભીખલો કોણ ?’
ભાઈશ્રી કાળાભાઈ હસ્યા : ‘મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈં બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે, હો !’
‘એમ કે ?’
‘ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું.’
મારા મનમાં શંકા ઊઠી કે આવા રૂપાળા ‘ભીખલા’ ભાઈનું ‘કાળો’ નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણવ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ‘ભીખલો-કીકલો-કીલો-કાલો’ એવાં રૂપાંતર હૈયે ચડે નહિ. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. ‘કાળાભાઈ ! જોજો હો, કાદવ આવે છે.’
‘અરે, સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો કાંઈ કહેવાય નહિ.’
એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂરદૂરથી દેખાવા લાગ્યું.
‘કાળાભાઈ ! આપણો મારગ તો આ જ કે ?’
‘અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે – હો. જો ને – આઘે જાળનું ઝાડ દેખાય.’
‘હા.’
‘આ ઈ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહિ હો. ઈ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે નાં, ઈ તો મારે ત્યાં કામ કરતો હોય. અને હજીયે મારી બોન જ બધુંય જાળવે છે.’
‘એમ કે ?’
‘તંઈ ! આ જાળ દેખાય છે નાં, ન્યાં, હું ગધેડાં ચારવા આવતો. તે દી અમારે ત્યાં બે ત્રણ સાંઢ પણ ખરી.’
મનમાં વિચાર્યું કે માર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી.
‘એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે.’
હરિ ! હરિ ! હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો – કારણકે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. તેમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે, ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ; એટલે કાં તો આજે આપના રામ રમવાના છે. પણ હવે થાય શું ? સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય.
કાળાએ તો આગળ હાંક્યું : ‘પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશાં ખાડું ચારવા આવે. ને અમે બેય જણાં – આ તળાવ દેખાય છે નાં – ન્યાં બેઠાં બેઠાં વાતું કરીએ. કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઊતરતો આવ્યો. એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો. અને કાળીને કહ્યું કે જો તું મારું નો માને તો હું મરું. મને સાંભરે છે કે બીજે દિવસે કાળી ખાડું ચારવા આવી ત્યારે ઈ ઝાડ – જો, પેલુ દેખાય ઈ – ત્યાં રોઈ; અને મને બધી વાત કરી. ‘મેં તો કહ્યું, હાલ્ય ને પરદેહમાં હાલ્યાં જઈ : ન્યાં કોણ ભાવ પૂછે ?’
પણ કાળીએ કહ્યું, ‘ના, મારી મા મરી ગઈ, ને અમારામાં તો નાતરું-આછું-પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું, કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુ:ખી થાય એ મારે નો જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાઉં ?’
‘તઈં, તારા જીવ મારી હારે ભાળ્યો નથી નાં ?’ મેં પૂછ્યું.
કાળીએ જવાબ વાળ્યો : ‘તારી હારે મારો જીવ ચોંટી ગયો છે. પણ મારે બાપે મારા સાટુ આટલું વેઠ્યું ને હું હવે નગણી થાઉં તો મનખાદેહ લાજે.’
‘પછી મન મૂકીને અમે રોયાં. છૂટાં પડ્યાં ઈ પડ્યાં. આ આજની ઘડી ને કાલનો દી. તે દીથી કાળીને મેં ધરમની બોન માની. ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી, માતર માટે હરામ, લ્યો. બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો, પણ ધરમ મોટી વાત છે નાં ? આ દેવાના ઘરમાં છે કે નહિ, એ જ મારી ધરમની બોન… કાળી !’
‘હેં !’
‘હા.’
‘ત્યારે દેવો તમારો સગો નથી એમ ?’
‘ના. પણ કાળી મારી ધરમની બોન છે. હજી ઠેસણે જાવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભરી આવે. પણ કાંઈ ધરમ-વરત ચુકાય ?’
દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કાંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચુપ થઈ ગયો.
– ધૂમકેતુWednesday, July 1, 2009
પોસ્ટ ઑફિસ - ‘ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી
સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી, ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો; ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, તેની બંધ બારી તથા બારણામાથી દીવાનો ઊજાસ બહાર પડતો હતો.
ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : ‘પોસ્ટઑફિસ.’
ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.
‘પોલિસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં.
અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઈબ્રેરિયન, એમ એક પછી અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.
એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા!’
વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.
‘ગોકળભાઈ!’
‘કોણ ?’
‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં?…હું આવ્યો છું.’
જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.
‘સાહેબ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’
કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.
અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દ્દષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય! એની તીક્ષ્ણ દ્દષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાગડા’ના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઈટાલીના ગરુડ જેવી અલીની દ્દષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો.
પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતાં નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો–શિકારનો આનંદ હતો.
શિકારનો રસ એની નસેનસમાંથી ઊતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દ્દષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર તરફ જોઈ રહેતો! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ્ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટઑફિસ આવીને બેસતો.
પોસ્ટઑફિસ-કદાચ જગતમાં સૌથી રસહીન મકાન-એનું ધર્મક્ષેત્ર-તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારે મજાકમાં એનું નામ દઈ, એને એ જગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોવા છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.
અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે; એટલે આખા શહેરના દરેકે દરેક ઑફિસરનો ખાનગી ઈતિહાસ અત્યારે વંચાતો.
કોઈના માથા પર સાફો, તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ્-એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા, કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંક તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કૂલ માસ્તર,’ આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે!
અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ.
‘પોલિસ કમિશનર!’ કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો.
‘સુપરિન્ટેન્ડન્ટ’!
બીજો એક પટાવાળો આગળ આવ્યો-અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો.
અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો! અરે! સૈકાઓ પહેલાંનો ગામડિયો!
‘આ માણસ ગાંડો છે?’ પોસ્ટમાસ્તરે પૂછ્યું.
‘હા-કોણ? અલી નાં? હા સાહેબ; પાંચ વારસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે! એનો કાગળ ભાગ્યે જ હોય છે!’ કારકુને જવાબ આપ્યો.
‘કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય?’
‘અરે! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે! તે પહેલાં બહુ પાપ કરતો; એમાં કોઈ થાનકમાં દોષ કર્યો! ભાઈ, કર્યાં ભોગવવાં છે!’ પોસ્ટમેને ટેકો આપ્યો.
‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’
‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલાં જ કરતો: બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી!’
‘અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો!’
આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બેચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્તર છેવટે ઊઠ્યા ને જતાં જતાં કહ્યું:
‘માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!’
છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા, એક કારકુન વખત મળ્યે જરા ગાંડાઘેલાં જોડી કાઢતો. ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.
એક વખત અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્દષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો’ એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસ એ હાંફતો હતો. ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.
આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું: ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે?’
પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા. તેમનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.
‘ભાઈ, તમે કેવા છો?’
‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.
‘હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’
‘નોંધી રાખોને, ભાઈ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે!’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે?
પોસ્ટમાસ્તર તપી ગયા: ‘ગાંડો છે શું? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય!’
પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો! અરે! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે?
એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો: ‘ભાઈ!’
કારકુન ચમક્યો; પણ તે સારો હતો.
‘કેમ?’
‘જુઓ, આ મારી પાસે છે.’ એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો.
‘ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો?’
‘શું’?
‘આ ઉપર શું દેખાય છે?’ અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.
‘આકાશ’.
‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરીયમનો કાગળ આવે તો પહોંચાડવો.’
કારકુન આશ્ચ્રર્યમાં સ્થિર ઊભો: ‘ક્યાંથી ક્યાં પહોંચાડવો?’
‘મારી કબર ઉપર!’
‘હેં?’
‘સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ ન મળી-કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો, તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું!
પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈ ને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા.
ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, ‘કોચમેન અલી ડોસા!’
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પહેલા ડોસાનું જ કવર—અને કદાચ એની દીકરી મરિયમનું.
‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી.
લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.
‘કેમ સાહેબ?’
‘આ તમારા કોચમેન અલી ડોસા….આજે હવે ક્યાં છે એ?’
‘તપાસ કરશું.’
તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી.
વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હ્રદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમૅન હજી આવ્યા ન હતા; પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હ્રદય પિતાના હ્રદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.
‘આવો અલીભાઈ! આ તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન લાકડીના ટેકાથી નમી ગયેલો ઊંભો હતો. છેલ્લા આંસુની ધાર તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.
તેણે પોસ્ટમાસ્તર સામે જોયું. ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું!
‘કોણ સાહેબ? અલી ડોસા…!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.
પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ને આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.
એના સવાલનો જવાબ વાળ્યો:
‘હા અલી ડોસા કોણ? તમે છો નાં?’
‘જી, અલી ડોસો તો મરી ગયેલ છે! પણ એનો કાગળ લાવો મારી પાસે!’
હેં કે દી? લક્ષ્મીદાસ!’
‘જી, એને તો ત્રણેક મહીના થઈ ગયા!’ સામેથી એક પોસ્ટમૅન આવતો હતો તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.
પોસ્ટમાસ્તર દિઙમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો! અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડ્યું: મેં અલીને જોયો, કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો?–
પાછી રોજનીશી ચાલી : ‘પોલિસ કમીશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઈબ્રેરિયન’- કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.
પણ દરેક કાગળમાં ધડકતું હ્રદય હોય તેમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્દષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.
મનુષ્ય પોતાની દ્દષ્ટિ છોડી બીજાની દ્દષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.
તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.
‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કાં?’
’જી, હા.’
‘—અને તમે કીધું, અલી ડોસા…’
‘જી હા,’
‘પણ –ત્યારે… ત્યારે, સમજાયું નહિ કે…’
‘શું ?’
‘હાં ઠીક. કાંઈ નહિ!’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હ્રદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા ને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.
- "ધૂમકેતુ" ગૌરીશંકર જોશી
Thursday, June 11, 2009
આંધળો આંધળાને દોરે છે.
ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, ‘‘ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ ? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું.’’ રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.
બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્યાં સામે રાજયના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછયું. સમાજસેવકે જણાવ્યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્યું છે તો તેમણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્યું.
પોલીસવડાનું બોડાવેલું માથું જોઈ રાજાએ ગંભિરતાથી પૂછયું, ‘‘કોનું અવસાન થયું છે ?’’ પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્યું, ‘‘મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.’’ રાજાએ તરત રાજયમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવા હુકમ કર્યો. રણવાસમાંથી મહારાણી બહાર આવ્યાં. તેમણે બધે શોકનું સામ્રાજય જોયું. મહેલનો ધ્વજ અડધી કાઠીએ ફરકતો જોય. તેમણે રાજાને પૂછયું, ‘‘મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે?’’ મહારાજે કહ્યું, ‘‘ મહાન પૂજય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે.’’
મહારાણીએ પૂછયું, ‘‘ગંધર્વસેન કોણ હતાં? કયા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?’’ રાજાને તેની ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછયું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, ‘‘એ તો સમાજસેવકશ્રી જાણે.’’ સમાજસેવકને બોલાવ્યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્યો. ધોબીએ આવી કહ્યું, ‘‘મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા- લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્પાંત કરતો હતો.’’
જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે.
Tuesday, May 12, 2009
માલીદાસ ભરવાડ
ત્યારે માલીદાસે પૂછયું કે તમે આ બધું શું કર્યું. મહારાજે કહ્યું, ‘‘તું અભણ ભરવાડ છે. તને એ બધું નહીં સમજાય.’’
માલીદાસે એ જાણવા માટે જીદ કરી તેથી બ્રાહ્મણે કહ્યું, ‘‘સ્નાન કરી હું શુધ્ધ થયો. શુધ્ધ થયા પછી જ ધ્યાન ધરાય. ધ્યાન ધરવા મેં નાકે આંગળી મૂકી શ્વાસ રોકયો. એ રીતે શ્વાસ રોકીએ તેને પ્રાણાયામ કહેવાય.’’
માલીદાસે પૂછયું, ‘‘એમ કરવાથી શું મળે ?’’ માલીદાસ ને માથું ખાતો રોકવા બ્રાહ્મણે કહી દીધું, ‘‘એમ કરવાથી ઈશ્વરનાં દર્શન થાય.’’
બ્રાહ્મણના ગયા પછી બીજે દિવસે સવારે માલીદાસ નહાઈને ચોખ્ખો થયો. બ્રાહ્મણની જેમ પલાંડી મારી બેઠો અને નાકે આંગળી મૂકી શ્વાસ રોકયા. ઈશ્વરનાં દર્શન થયાં નહીં એટલે તેણે તો શ્વાસ રોકી જ રાખ્યો. શ્વાસ લીધા વગર તેના પ્રાણ જવાની તૈયારી હતી. તેની સાચી તાલાવેલી? જોઈ ભગવાને દર્શન આપ્યાં.
માલીદાસે પૂછયું, ‘‘તમે કોણ છો ?’’
ભગવાને જવાબ આપ્યો, ‘‘હુ; ભગવાન છું’’
માલીદાસે પૂછયું, ‘‘તમે ભગવાન છો તે હું કેમ માનું ? મારે મારા ગુરુ બ્રાહ્મણ મહારાજને પૂછવું પડે.’’
ભગવાને કહ્યું, ‘‘ભલે તેમને પૂછી આવ.’’
‘‘ત્યાં સુધીમાં તમે ભાગી જાવ તો ? હું તમને મારા દોરડા વડે આ ઝાડ સાથે બાંધી રાખું અને બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવું.’’ ભરવાડે કહ્યું.
ભગવાને કહ્યું, ‘‘ભલે.’’ માલીદાસે ભગવાનને ઝાડ સાથે બાંધ્યા. પછી તે બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવ્યો. ઝાડ સાજે બાંધેલા ભગવાનને બતાવી તેણે મહારાજને પુછયું, ‘‘ગુરુ મહારાજ, આ જ ભગવાન છે કે ?’’
બ્રાહ્મણ મહારાજને તો કંઈ દેખાતું નહોતું. મહારાજે તો કહ્યું, ‘‘મને તો કંઈ દેખાતું નથી’’ ભરવાડે પૂછયું કે ઝાડે બાંધેલો આ પુરુષ તમને દેખાતો નથી? બ્રાહ્મણે તો ના પાડી. ત્યાં આકાશવાળી થઈ, ‘‘હે બ્રાહ્મણ, તું ઉપરછલ્લા ક્રિયાકર્મ કરે છે તેથી હું તને દેખાતો નથી. આ ભરવાડે ખરા હ્રદયથી ધ્યાન ધર્યું તેથી મેં તેને દર્શન આપ્યાં છે.’’ બ્રાહ્મણે માલીદાસે ને કહ્યું, ‘‘હા, તને દેખાય છે તે ઈશ્વર જ છે.’’
માલીદાસ તે પછી સંત માલીદાસ કહેવાયા. બ્રાહ્મણે હવે સાચી લગની અને તાલાવેલીથી ધ્યાન માંડ્યું. આવા ધ્યાનથી જ ઈશ્વરનાં દર્શન થાય છે.
નાનાં પગલાંથી મોટી સિધ્ધિ મળે છે.
ખેડૂતે ઘરમાં કહ્યું, ‘‘બ્રાહ્મણ અતિથિ આંગણે આવ્યા છે. એમને ભૂખ્યા ન સુવાડાય. જલદી જલદી કંઈ રસોઈ બનાવી નાખો.’’ ખેડૂતની વહુએ ઝડપથી ભાત અને બટાટાનું રસાદાર શાક બનાવી નાખ્યું. ખેડૂતે ચાણકયને જમવા બોલાવ્યા. પ્રજામાં રહેલી આતિથ્યભાવના જોઈ ચાણકય રાજી થયા. હાથ-મોં ધોઈ તે ભોજન કરવા બેઠા. ખેડૂતના વૃધ્ધ માજીએ ગરમાગરમ ભાત પીરસ્યો. કેળના પાન પર જાણે ભાતનો નાનો ડુંગર! તેના પર ગરમ ફળફળતું શાક નાખ્યું. ખાવા માટે ચાણકયે ભાતના ઢગલાની ટોચ પર હાથ નાખ્યો. ગરમ ભાત અને શાકથી તેમની આંગળીઓ દાઝી ગઈ અને એમણે એકદમ હાથ પાછો ખેંચી લીધો.
માજીએ કહ્યું, ‘‘તમે અમારા મંત્રી ચાણકય જેવા લાગો છો. ચાણકય હંમેશા બીજા દેશના કેન્દ્રમાં રહેલી રાજધાની પર પહેલા હુમલો કરે છે. આથી પાછા પડે છે. તમે જેમ હાથ ખેંચી લીધો તેમ ચાણકયનું સૈન્ય પણ પાછું ફરે છે. છેડાનાં નાનાં નાનાં ગામ પર શરુઆતમાં હુમલો કરવો જોઈએ. તમે પણ નીચેના ભાત પહેલા આરોગો, પછી વચ્ચે પહોંચો. એમ કરશો તો પૂરતો ગરમ ભાત મજાથી જમી શકશો.’’
માજીનું ડહાપણ જોઈ ચાણકય ચકિત થઈ ગયા. ચાણકયે બોધપાઠ લીધો. હંમેશા નાનાં નાનાં પગલાંથી શરુ કરવું જોઈએ. એમ કરીએ તો મોટી સિધ્ધિ મેળવી શકાય.
ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’ ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્યા તે એમને ગમ્યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’
Saturday, April 18, 2009
પપ્પુ ને સાઈકલ મલશે ???
પપ્પુની બર્થ-ડે નજીક આવતી હતી એટલે એ એના તોફાની મગજ માં વીચારતો હતો કે આ સમય ઘણોજ સરસ છે કંઇક માંગવા માટે.
પપ્પુ : મમ્મી, મારે આ વખતે મારી બર્થ-ડે ઉપર એક મસ્તન સાઇકલ જોઇએ છે.
(આમ તો પપ્પુડીયો ઘણો તોફાની હતો. અવરનવાર એની સ્કુલ માંથી એની ફરીયાદો અવ્યા કરતી હતી. )
મમ્મી : જો પપ્પુ તુ તારી બર્થ-ડે ઉપર સાઇકલ જોઇતી હોય તો તુ ભગવાન ને એક કાગળ લખી ને જણાવ કે તે તારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી કેટલા સારા અને કેટલા ખરાબ પરાક્રમો કર્યા છે. તે તારી સ્કુલ માં કેવું વર્તન કર્યુ છે. અને પછી જો ભગવાન ને લાગશે કે તને સાઇકલ મળવી જોઇએ તો ભગવાન તને જરૂરથી સાઇકલ આપશે.
આટલુ સાંભળીને પપ્પુ ભગવાન ને લેટર લખવા એની રૂમમાં જતો રહ્યો.
______________________________________
લેટર 1
વ્હાલા ભગવાન,
કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.
જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.
હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું અને મારું હોમવર્ક પણ રેગુલર કરતો રહ્યો છું જેની નોંધ લેશો અને મારી આ બર્થ-ડે પર મને એક નવી સાઇકલ મોકલાવશો.
લાલ કલરની સાઇકલ મોકલવાશો તો મને વધારે ગમશે.
તમારો માનીતો,
પપ્પુ.
______________________________________
પણ પપ્પુ ને ખબર હત્તી કે એણે શુ પરાક્રમો કર્યા છે અને એના વીશે કેવી ફરીયાદો થયેલી છે.
એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને બીજો લેટર લખવા બેઠો.
______________________________________
લેટર 2
વ્હાલા ભગવાન,
કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.
જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.
મેં મારૂ હોમવર્ક ભલે રેગુલર નથી કર્યુ પણ હું સ્કુલ માં એકદમ રેગુલર રહ્યો છું અને સ્કુલ માં કોઇ તોફાન પણ નથી કર્યા.
ઉપર જણાવેલી બાબતો ની નોંધ લેશો અને મને મારી આ બર્થ-ડે ઉપર એક સાઇકલ મોકલાવશો.
તમારો વ્હાલો,
પપ્પુ.
______________________________________
પણ પપ્પુ જાણતો હતો કે એણે લેટરમાં જે લખ્યું તે સાચ્ચુ નથી.
એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને ત્રીજો લેટર લખવા બેઠો.
______________________________________
લેટર 3
માનનીય ભગવાન,
કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.
જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.
અને હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું.
મને મારી આ બર્થ-ડે ઉપર મારી માટે સાઇકલ મોકલવાશો.
તમારો માનીતો અને વ્હાલો,
પપ્પુ.
______________________________________
હવે પપ્પુ ને એ પણ ખબર હતીકે આ બધુ પણ સાચ્ચુ નથી.
એટલે એણે એ લેટર પણ ફાડી નખ્યો અને પછી ચોથો લેટર લખવા બેઠો.
______________________________________
વ્હાલા ભગવાન,
તમે ત્યાં મજા માં હશો.
મને ખબર છે કે મેં મારી છેલ્લી બર્થ-ડે થી અત્યારે સુધી કેવા કેવા પરાક્રમો કર્યા છે.
મને એ પણ ખબર છે કે હું મારી સ્કુલ માં કેટલો રેગુલર છું અને મારૂ હોમવર્ક પણ કેટલું કરેલુ છે.
છતા પણ આ વરસ મારી બર્થ-ડે ઉપર એક સાઇકલ જોઇએ છે જે મોકલાવવા નમ્ર વિનંતી.
તમારો માનીતો,
પપ્પુ.
______________________________________
પણ પપ્પુ ને પાક્કી ખાતરી હતી કે આ બધુ લખેલું છે એમા કેટલુ સાચ્ચુ છે. અને એને એ પણ ખાતરી હતી કે આ વસ્તુ એને સાઇકલ નહીં અપાવી શકે.
એટલે એણે ચોથો લેટર પણ ફાડી નખ્યો.
______________________________________
હવે પપ્પુ એકદમ અપસેટ થઇ ગયો.
પપ્પુ હવે ઉભો થઇ ને એના રૂમ માંથી નીકળી ને બહાર એની મમ્મી પાસે ગયો અને ઉદાસ ચહેરે મમ્મી ને કહ્યું કે મમ્મી મારે મંદીરે જવું છે.
મમ્મી ને લાગ્યું કે પપ્પુ ને એની ભુલો ઉપર પસ્તાવો થયો હોઇ એ ભગવાન પાસે માફી માંગવા માંગે છે.
એટલે એની મમ્મી એને લઇ ને મહાદેવજી ના મંદીર મા ગઇ.
પપ્પુ મંદીર માં જઇને બેઠો અને ભગવાન ને પગે લાગ્યો પછે આજુ બાજુ એની ચકોર નજર ફેરવી ને જોયું કે કોઇ જોતુ તો નથી ને. અને પછી ધીરે રહી ને એણે ત્યાં એક ગણેશજી ની નાની મુર્તી હતી તે એના ખીસ્સા માં મુકી દીધી.
હવે પપ્પુ ખુશ જણાતો હતો એટલે પપ્પુ અને એની મમ્મી બંને ઘરે પાછા આવી ગયા.
ઘરે આવતાંજ પપ્પુ દોડી ને એની રૂમમાં જતો રહ્યો અને ખીસ્સામાંથી ગણેશજી ની મુર્તી કાઢી ને ટેબલ ઉપર મુકી.
હવે પપ્પુ એ ફાઇનલ લેટર લખ્યો.
______________________________________
લેટર 5 (ફાઇનલ)
ભગવાન,
હું પપ્પુ,
મેં તમારા છોકરા ને કીડ્નેપ કરી લીધો છે.
જો તમે એમને મળવા માંગતા હોય તો મને મારી આ બર્થ-ડે ઉપર લાલ કલરની સાઇકલ મોકલાવશો.
પપ્પુ.
Wednesday, April 1, 2009
બાળ વાર્તા - બિરબલ ની ચતુરાઈ
એક દિવસ એક વિધવા સ્ત્રી બીરબલ પાસે આવી: ‘મદદ...મદદ... બીરબલ બેટા! મારી મદદ કર. મને ઠગી લેવામાં આવી છે.’
‘કોણે ઠગી લીધા?’ બીરબલે તે સ્ત્રીને પાસે બેસાડી પૂછ્યું.
‘વાત થોડી લાંબી છે, બેટા! છ મહિના પહેલા મેં તીર્થયાત્રો જવાનો નિર્ણય કર્યો, પરંતુ મને મારી પાઇ-પાઇ ભેગી કરીને જમા કરેલી પૂંજીની ચિંતા હતી. સમજણ નહોતી પડતી કે એને કયાં મુકુ?
‘હં, પછી શું થયું?’
‘ઘણુ વિચાર્યા પછી છેવટે હું એક સાધુ મહારાજ પાસે ગઇ. લોકો કહેતા હતા કે એ સાધુ મહારાજ ઘણા ઇમાનદાર છે. તેમની પાયે જઇને મેં કહ્યું કે ‘મહારાજ! આ તાંબાના સિક્કાની થેલી મારા આખા જીવનની પૂંજી છે. મહેરબાની કરી તમે એને તમારી પાસે રાખો. તમારી પાસે એ સુરક્ષિત રહેશે. યાત્રાએથી પાછા આવ્યા બાદ હું તેને લઇ જઇશ.’
ત્યારે સાધુ મહારાજ બોલ્યા:
‘માઇ! તારી મુશ્કેલીમાં તને મદદ નથી કરી શકતો તેનું દુ:ખ છે, હું આ સંસારી ખટપટોમાં કે ઝંઝટોમાં પડતો નથી. રૂપિયા-પૈસા, માયાને તો હું હાથ પણ નથી લગાડતો, પરંતુ તારી મજબૂરી એવી છે કે હું તને મદદ કર્યા વિના પણ નથી રહી શકતો.’
‘તું એક કામ કર. મારી ઝૂંપડીમાં ગમે ત્યાં ખાડો ખોદી આ થેલી દાટી દે, અને તીર્થયાત્રા કરીને પાછી આવે ત્યારે તારી જાતે જ આ થેલી કાઢી લેજે.’ એ સાધુ મહારાજે મને કહ્યું.
એમના કહેવાથી મેં ઝૂંપડીના એક ખૂણામાં ખાડો ખોધો અને થેલી તેમાં દાટી દીધી. હવે મને નિરાંત હતી કે મારા પૈસા સુરક્ષિત રહેશે.’
‘તીર્થયાત્રાએથી પાછા ફર્યા બાદ હું સાધુ મહારાજ પાસે મારું ધન લેવા માટે ગઇ.’
‘તું કયા ધનની વાત કરે છે?’ સાધુ મહારાજે મને પૂછ્યું.
‘તાંબાના સિક્કાની એ થેલી, જેને મેં તમારી ઝૂંપડીમાં દાટી હતી.’ મેં કહ્યું.
‘તને તો ખબર જ હશે કે કયાં દાટી હતી? ખોડીને લઇ લે અને સાંભળ, મારી આગળ ધનનું નામ પણ ન લેતી. હું આ શબ્દ જરાયે સાંભળવા માંગતો નથી.’ સાધુ મહારાજે કહ્યું.
મેં જયાં થેલી દાટી હતી, એ જગ્યાએ ખાડો ખોધો તો મારી આંખે અંધારા છવાઇ ગયા. ત્યાંથી સિક્કાની થેલી ગાયબ હતી. મને મારી આંખ પર ભરોસો ન આવ્યો. મેં ખાડો વધુ ઊંડો ખોધો, પરંતુ થેલી ન મળી.
હું દોડતી મહારાજ પાસે આવી. ‘મહારાજ...મહારાજ... મારા પૈસા? મારી થેલી કયાં ગઇ?’
‘ચાલ દૂર ખસ ડોશી. મને આ સંસારી મોહમાયા તેમજ ઝંઝટમાં ન ફસાવ.’
‘પરંતુ , મહારાજ! મેં તો થેલી અહીં જ દાટી હતી... ત્રણ મહિના પહેલાં... તમારી નજર સામે જ...’
‘બનવાજોગ છે, પરંતુ આ પ્રપંચભર્યા સંસારમાં શું બની રહ્યું છે તેની મને સહેજે જાણ નથી અને હું જાણવા પણ નથી માગતો. હું તો માત્ર રામ-નામનું ઘ્યાન રાખું છું. મારા કાન એક જ નામ સાંભળે છે-રામ! મારી આંખો એક છબી જુએ છે - રામ!’
‘પછી શું થયું?’ બીરબલે પૂછ્યું.
‘પછી શું થાય? હું રડતી-કકળતી પાછી આવી.’
‘માજી! તમારા કહેવાનો અર્થ એ છે કે સાધુએ જ તમારા પૈસા હજમ કરી લીધા છે?’ બીરબલે પૂછ્યું.
‘ચોક્કસ, એમાં શંકાને કોઇ સ્થાન નથી. દુ:ખ એ વાતનું છે કે મારી પાસે કોઇ સાબિતી નથી.’ ઘરડી સ્ત્રીએ બીરબલને બધી વિગત કહી સંભળાવી.
બધી વાત સાંભળીને બીરબલ ઊંડા વિચારોમાં ગરકાવ બની ગયો. થોડીવાર બાદ તેણે કહ્યું: ‘સારું, હું વહેલી તકે સત્ય શોધી કાઢીશ. હવે તમે મારી વાત ઘ્યાનથી સાંભળો.’ બીરબલે તેને નજીક બોલાવીને કશી સમજણ પાડી.
બીરબલે તેને થોડા દિવસ બાદ આવવાનું કહ્યું. થોડા દિવસ બાદ વિધવા સ્ત્રી ફરી બીરબલ પાસે આવી. બીરબલ તેને લઇને સાધુ મહારાજ રહેતા હતા તે સ્થાને આવ્યો.
‘એ સામે દેખાય છે એ જ ઝૂંપડી છે.’ સ્ત્રીએ બીરબલને કહ્યું.
‘સારું હવે તમે આ ઝાડ પાછળ સંતાઇ જાવ અને ઘ્યાન રાખજો, તમે ઝૂંપડીમાં એ જ વખતે દાખલ થજો જયારે હું બીજીવખત પ્રણામ કરું.’
‘ભલે સરકાર.’
‘બરાબર યાદ રાખજો. બીજી વાર પ્રણામ કરું ત્યારે જ તમારે ઝૂંપડીમાં આવવાનું. એક ક્ષણ વહેલા નહિ કે એક ક્ષણ મોડા પણ નહી.’
‘હું બરાબર યાદ રાખીશ અને તમે કહ્યુ તેમ બરાબર સમયસર ઝૂંપડીમાં પ્રવેશ કરીશ.’
બીરબલ સાધુ મહારાજની ઝૂંપડીમાં પહોંરયો.
‘રામ રામ મહારાજ!’ બીરબલે અંદર પ્રવેશ કરી કહ્યું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
‘દીઘાર્યુ ભવ બચ્ચા!’ સાધુએ આશિર્વાદ આપ્યા.
‘તમારી આઘ્યાત્મિકતા અને તપના ગુણગાન મેં ઘણાં લોકોના મુખે સાંભળ્યા હતા. આજે આપનાં દર્શન કરવાનું અને આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ ગયું.’
સાધુ મહારાજની નજર બીરબલ પાસેની લાકડાની પેટી પર પડી. તે વિચારવા લાગ્યા કે જરૂર પેટીમાં સોનાનાં આભૂષણો હશે.
‘મહાત્માજી! અમારા જેવા સંસારી જીવોની પાછળ કોઇને કોઇ ઝંઝટ સમસ્યા લાગેલી જ હોય છે. હું તમને એક કષ્ટ આપવા આવ્યો છું, પરંતુ કહેતા સંકોચ થાય છે. કદાચ...’
‘બોલ બચ્ચા! સંકોચ ન રાખ. કદાચ હું તારી મદદ કરી શકું.’ સાધુ મહારાજે પેટી પર નજર રાખતાં અને દાઢી ઉપર હાથ ફેરવતા કહ્યું :
‘ના, ના જવા દો મહારાજ. આપ તો સંસાર ત્યાગી ચૂકયા છો. મોહ-માયા છોડી દીધી છે. નાહક સંસારી વિટંબણાઓમાં તમને શા માટે નાખું?’ બીરબલે કહ્યું.
સાધુ મહારાજે વિચારવા લાગ્યા કે શિકાર હાથમાંથી છટકી રહ્યો છે. એ કદાચ પેટી લઇને પાછો જતો રહેશે.
‘બેટા! નિશ્ચિંત બનીને તારી સમસ્યા કહે. હું મારાથી બનતી મદદ કરીશ.’
‘પરંતુ...પરંતુ...આ છળ કપટથી ભરેલી દુનિયામાં હું વિશ્વાસ કરું તો પણ કોનો કરું? મને માર્ગદર્શન આપો.’
‘આ માણસનું હ્યદય ડામાડોળ થઇ રહ્યું છે. મારે ગમે તે રીતે પણ આ પેટી કબજે કરવી જ પડશે.’ સાધુ મહારાજ મનોમન વિચાર કરવા લાગ્યા.
‘દીકરા! દિલમાં સહેજે ખચકાટ રાખ્યા વગર જે કાંઇ હોય તે કહી શંભળાવ. હું અવશ્ય તારી મદદ કરીશ. બીજાના કષ્ટોનું નિવારણ કરવું એ તો અમારો ધર્મ છે.’ સાધુએ કહ્યું.
‘મહાત્મા! મારે મારા ભાઇને મળવા અજમેર જવું છે. મારી પાસે આ બહુમૂલ્ય રત્નોની પેટી છે. શું હું આ પેટી તમારી પાસે મૂકીને જઇ શકું છું?’
‘ઓહ! બહુમૂલ્ય રત્નો. મેં ઠીક જ વિચાર્યુ હતું.’ સાધુ બીરબલની વાત સાંભળી મનોમન વિચારવા લાગ્યો.
‘દીકરા! ધન-સંપત્તિ એ બધી મોહમાયા છે અને મોહમાયાને હું ત્યાગી ચૂકયો છું. એના નામથી પણ મને ધૃણા છે. પરંતુ પરંતુ મેં તને સહાયતા કરવાનું વચન આપ્યું છે. હું પ્રભુનો સેવક છું. હું ધનને હાથ પણ લગાવતો નથી. એક કામ કર. તું તારા હાથે આ પેટી અહીં કયાંક દાટી દે. અહીં તારું ધન તદન સલામત રહેશે.’
‘આપ ખરેખર ઘણા જ દયાળુ છો. મહાન છો.’ બીરબલે કહ્યું : ‘હું હંમેશા તમારો આભારી રહીશ. હું તમારી મહાનતાને પ્રણામ કરું છું.’ આટલું કહી બીરબલે બીજીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
બહાર ઝાડ પાછળ સંતાયેલી સ્ત્રી અંદર ચાલતો વાર્તાલાપ ઘ્યાનથી સાંભળી રહી હતી. બીરબલે જયારે બીજી વાર પ્રણામ કર્યા ત્યારે એ જાણી ગઇ કે બીરબલે તેને ઝૂંપડીમાં આવવાનો સંકેત આપી દીધો છે. તે તરત જ ઝૂંપડીમાં પ્રવેશી.
ડોશીને જોઇને સાધુ ચોંકી ઉઠયો અને મનોમન વિચારવા લાગ્યો : ‘આ દુષ્ટાને પણ અત્યારે જ આવવાનો સમય મળ્યો. જો અત્યારે તેણે તેની પૂંજી માટે કકળાટ ચાલુ કર્યો તો મારી આખી બાજી બગડી જશે. ડોશીના થોડાક તાંબાના સિક્કા માટે મારે બહુમૂલ્ય રત્નોથી હાથ ધોવા પડશે. ના, ના, આવું નહી બનવા દઉં.’
‘સારું થયું તું પાછી આવી માઇ. હું તારા ધનની થેલી વિશે જ વિચારતો હતો. મને પાકો વિશ્વાસ છે કે તે દિવસે તેં ભૂલ કરી હશે.’
‘પરંતુ મહારાજ...’
‘તું સાચી જગ્યા ભૂલી ગઇ હશે. મને યાદ છે, ત્યાં સુધી તેં તારું ધન આ ખૂણામાં સંતાડયું હતું. તું આ ખૂણામાં ખાડો ખોદ.’ મહારાજે બીજી દિશા તરફના ખૂણા તરફ આંગળી બતાવી.
ડોશીએ એ સ્થાને ખોદવા માંડયું. થોડું ખોદતાં જ તેને એના ધનની થેલી મળી આવી.
‘તમે સાચું કહેતા હતા, મહારાજ! મારી થેલી ખરેખર એ સ્થાને જ હતી.’ ડોશી ખુશ થતાં બોલી.
‘મૂર્ખ સ્ત્રી! પોતાનું ધન એક જગ્યાએ સંતાડી બીજા સ્થાને શોધે તો પછી કયાંથી મળે? ધનથી ચિંતા ઉત્પન્ન થાય છે અને ચિંતા માણસની સ્મરણશકિત નષ્ટ કરી નાખે છે. માણસ પાગલ જેવો બની જાય છે.
પછી બીરબલ સામે જોઇ સાધુ બોલ્યો : ‘એનું ધન ન મળવાથી ડોશી મારા પર જ ચોરીનો આરોપ મૂકતી હતી.’ મહારાજે બીરબલને પોતાની સફાઇ આપતાં કહ્યું.
‘ખરેખર, ઘડપણમાં બુદ્ધિ નષ્ટ થઇ જાય છે.’ બીરબલે પણ એના સૂરમાં સૂર પૂરાવ્યો.
પેલી વિધવા સ્ત્રી પૈસા લઇને રવાના થઇ એટલે સાધુએ બીરબલને કહ્યું : ‘બેટા! તારી પેલી પેટી આ ઝૂંપડીમાં જયાં ઇરછા હોય ત્યાં દાટી દે. અને સ્થાન ખાસ યાદ રાખજે. મને આ સંસારી વાતોથી શું લેવા-દેવા?’
એ જ વખતે બીરબલનો એક સેવક ઝૂંપડીમાં પ્રવેશ્યો.
‘માલિક! તમારા ભાઇ તમને મળવા આવ્યા છે. હમણાં જ તમને મળવા માંગે છે. ઘરે રાહ જોઇને બેઠા છે.’
‘અરે, એ અહીંયા આવ્યા છે? સારું થયું. હવે મારે અજમેર નહિ જવું પડે.’
આટલું કહીને બીરબલે પેટી સેવકને આપી અને મહારાજને પ્રણામ કરતાં કહ્યું: ‘તમારી કૃપા માટે ઘણો ઘણો આભાર મહારાજ. હવે પછી કયારેય તમારી સેવાની જરુર પડશે તો હું તમારી પાસે આવીશ. તમારા જેવા ત્યાગી અને જ્ઞાની મહારાજ ભાગ્યે જ મળે છે.’ અને બીરબલ ઝૂંપડીની બહાર નીકળી ગયો.
સાધુ માથું કુટતો રહી ગયો. રત્નોની પેટી લેવા જતાં તાંબાના પૈસા પણ હાથમાંથી ગયા. મિષ્ટાન્નની લાલચે સૂકો રોટલો પણ હાથમાંથી ગયો.
Wednesday, March 25, 2009
આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી
શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે.
એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’
વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’
અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.
ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.
જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.
‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.
આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’
હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’
એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’
દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’
પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’
આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.
તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]
Monday, March 23, 2009
રાજન્ કયો માણસ મરેલો કહેવાય ???
જડભરત જીવહિંસા ન થાય તેનું ધ્યાન રાખી વારે ઘડીયે ઉંચા નીચા થતા તેથી પાલખી સરખી ચાલતી નહીં. રાજા ને આને કારણે તકલીફ થતી તેથી બોલ્યો – આ કોણ મરેલો મરેલો ચાલે છે ?
જડભરત નો જવાબ હતો કે –
“જે માણસનો ભાર ચાર જણ ખભાપર ઉંચકી ને જતા હોય તે માણસ મરેલો કહેવાય…. સ્મશાન માં જતી ઠાઠડી નો ભાર ચાર જણ વચ્ચે જેમ વહંચાય તેમ… તેથી હે રાજન મરેલો કોણ છે. તે તો જાહેર છે. વળી હું તો આજ રીતે ચાલીશ કારણ કે મારા પગ નીચે કીડી મંકોડા ચગડાઈ ને મરે તે મને મંજુર નથી કારણ કે હું કોઈ જીવને જીવાડી શકતો નથી તો પછી મને મારવાનો પણ કોઈ અધિકાર નથી. થોડોક શ્વાસ ખાઈ ને જડભરતજી એ કહેવા નું ચાલુ રાખ્યું કે રાજન્ કયો માણસ મરેલો કહેવાય તેની તમને ખબર નથી પણ મને છે. જે માણસ બીજા ની કમાણી નું ખાય…. જે પોતાના જીવન માટે બીજાની પાસે મહેનત કરાવે તથા જે અન્ય નું શોષણ કરી પોતાનો નિર્વાહ કરે તે માણસ મરેલો કહેવાય. હું તેમાનુ કશુ કરતો નથી તેથી તમે જાતે નક્કી કરો કે કોણ શું છે ? “
રાજા એ જડભરત ના વાક્યો પર વિચાર કરી ને પાલખી રોકી તેમને પગે પડ્યો, અને સ્વાશ્રયી અને પરગજુ જીવનાની પ્રતિજ્ઞા લીધી.