Tuesday, May 12, 2009

નાનાં પગલાંથી મોટી સિધ્ધિ મળે છે.

ચાણકય ઘણી વાર પ્રજામાં શું ચાલી રહ્યું છે એ જાણવા વેશપલટો કરી નીકળતા. આવી રીતે એક વાર તે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં રાજધાની છોડી દૂરના ગામડે જઈ પહોચ્‍યા. રાત પડી ગઈ હતી. રાતવાસો કરવો પડે તેમ હતો. એક ખેડૂતને ત્‍યાં જઈ ચાણકયે રાત માટે આશ્રય માગ્‍યો. બ્રાહ્મણ અતિથિને ખેડૂતે આવકાર્યા.

ખેડૂતે ઘરમાં કહ્યું, ‘‘બ્રાહ્મણ અતિથિ આંગણે આવ્‍યા છે. એમને ભૂખ્‍યા ન સુવાડાય. જલદી જલદી કંઈ રસોઈ બનાવી નાખો.’’ ખેડૂતની વહુએ ઝડપથી ભાત અને બટાટાનું રસાદાર શાક બનાવી નાખ્‍યું. ખેડૂતે ચાણકયને જમવા બોલાવ્‍યા. પ્રજામાં રહેલી આતિથ્‍યભાવના જોઈ ચાણકય રાજી થયા. હાથ-મોં ધોઈ તે ભોજન કરવા બેઠા. ખેડૂતના વૃધ્‍ધ માજીએ ગરમાગરમ ભાત પીરસ્‍યો. કેળના પાન પર જાણે ભાતનો નાનો ડુંગર! તેના પર ગરમ ફળફળતું શાક નાખ્‍યું. ખાવા માટે ચાણકયે ભાતના ઢગલાની ટોચ પર હાથ નાખ્‍યો. ગરમ ભાત અને શાકથી તેમની આંગળીઓ દાઝી ગઈ અને એમણે એકદમ હાથ પાછો ખેંચી લીધો.

માજીએ કહ્યું, ‘‘તમે અમારા મંત્રી ચાણકય જેવા લાગો છો. ચાણકય હંમેશા બીજા દેશના કેન્‍દ્રમાં રહેલી રાજધાની પર પહેલા હુમલો કરે છે. આથી પાછા પડે છે. તમે જેમ હાથ ખેંચી લીધો તેમ ચાણકયનું સૈન્‍ય પણ પાછું ફરે છે. છેડાનાં નાનાં નાનાં ગામ પર શરુઆતમાં હુમલો કરવો જોઈએ. તમે પણ નીચેના ભાત પહેલા આરોગો, પછી વચ્‍ચે પહોંચો. એમ કરશો તો પૂરતો ગરમ ભાત મજાથી જમી શકશો.’’

માજીનું ડહાપણ જોઈ ચાણકય ચકિત થઈ ગયા. ચાણકયે બોધપાઠ લીધો. હંમેશા નાનાં નાનાં પગલાંથી શરુ કરવું જોઈએ. એમ કરીએ તો મોટી સિધ્ધિ મેળવી શકાય.

1 comment: