Tuesday, May 12, 2009

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ...

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે…. – વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય… – વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત – વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. – વીજળીને ચમકારે

-ગંગાસતી

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે ૧૫ શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.

No comments:

Post a Comment