Thursday, June 11, 2009

આંધળો આંધળાને દોરે છે.

એક ધનવાન- સમાજસેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા. ત્‍યાં રોકકળ કરતો એક ધોબી નીકળ્યો. એ મોટે મોટેથી રડીને કલ્‍પાંત કરતો હતો. સમાજસેવકે પૂછયું, ‘‘શું થયું ભાઈ! કેમ આવું? કલ્‍પાંત કરે છે ?’’ ધોબી ઊભો રહ્યો અને રડતાં રડતાં જ બોલ્‍યો, ‘‘ગંધર્વસેનનું મૃત્‍યુ થયું છે.’’ધનવાને પૂછયું, ‘‘કોણ ગંધર્વસેન ?’’
ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, ‘‘ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ ? મારું તો સર્વસ્‍વ લૂંટાઈ ગયું.’’ રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્‍યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.
બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્‍યાં સામે રાજયના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછયું. સમાજસેવકે જણાવ્‍યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્‍યું છે તો તેમણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્‍યું.
પોલીસવડાનું બોડાવેલું માથું જોઈ રાજાએ ગંભિરતાથી પૂછયું, ‘‘કોનું અવસાન થયું છે ?’’ પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્‍યું, ‘‘મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.’’ રાજાએ તરત રાજયમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્‍વજ અડધી કાઠીએ ફરકાવવા હુકમ કર્યો. રણવાસમાંથી મહારાણી બહાર આવ્‍યાં. તેમણે બધે શોકનું સામ્રાજય જોયું. મહેલનો ધ્‍વજ અડધી કાઠીએ ફરકતો જોય. તેમણે રાજાને પૂછયું, ‘‘મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે?’’ મહારાજે કહ્યું, ‘‘ મહાન પૂજય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્‍ટ્રીય શોક જાહેર થયો છે.’’
મહારાણીએ પૂછયું, ‘‘ગંધર્વસેન કોણ હતાં? કયા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?’’ રાજાને તેની ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછયું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, ‘‘એ તો સમાજસેવકશ્રી જાણે.’’ સમાજસેવકને બોલાવ્‍યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્‍યો. ધોબીએ આવી કહ્યું, ‘‘મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા- લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્‍પાંત કરતો હતો.’’
જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે.

No comments:

Post a Comment