Friday, February 26, 2010

દિલ પૂછે છે મારૂં...

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે? થાકેલા છે બધા છતાં,લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?...

બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

1 comment:

  1. sachi vat 6.. aaj na samay ma badha loko aa type ni j life jive 6. even hu pan.....

    ReplyDelete