Monday, August 16, 2010

જીવનમાં નવું શું છે ?

વરસોનાં વરસ સુધી આપણે એકસરખી ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. આ રફતારને શિસ્ત, સિક્યોરિટી, શાણપણ જેવાં રૂપાળાં નામ આપીએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં એ આપણો ડર છે, અજાણ્યા રસ્તે જવાનો ! Fear of unknown ! એટલી હદ સુધી કે કોઈ નવા વિચારને પણ આપણે ભાગ્યે જ મગજમાં આવવા દઈએ છીએ.

ઘરથી ઑફિસ કે ઘરથી માર્કેટ સુધી અનેક રસ્તા જતા હશે, પણ આપણામાંથી કેટલા જણ એ બધી ગલીકૂંચીમાંથી, કમસે કમ એકાદવાર પણ, પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ ? રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ મેનુ-કાર્ડમાંથી હંમેશા અમુક, ચાખેલી-પારખેલી વાનગીઓ જ મંગાવવાનો આગ્રહ રાખીએ છીએ. એક જ હેરસ્ટાઈલને વળગી રહીએ છીએ, ઘરમાં ફર્નિચરની જગ્યા સુદ્ધાં બદલતાં નથી.

અહીં માત્ર કોઈ નિયમ તોડવાની વાત નથી. વાત છે કે તમે ક્યારેય તમારા સેટ રૂટીનમાંથી બહાર જઈને વિચારો છો ? થોડા સમય પહેલાં એક પૉસ્ટર જોયેલું, એમાં લખેલું : How many new ideas you had this week ? અને ખરેખર આપણામાં એવા અનેક લોકો હશે કે જે આના જવાબમાં કહેશે : ‘Not a single one !’ એક અઠવાડિયું તો ઠીક, એક આખા મહિના-વરસમાં પણ એકેય નવો વિચાર ન આવ્યો હોય એવા માણસો પણ દુનિયામાં જીવે છે. તમે એમાંના એક છો ?

જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર નહીં પડે કે બીજા રસ્તા પર સરસ મજાનો ગાર્ડન છે અને જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ નથી, એમને પેલા ગાર્ડનમાં જઈને પક્ષીઓના અવાજ સાંભળવાની, નવા માણસોને મળવાની, ખુલ્લી હવામાં ખુલ્લા પગે ચાલવાની તક નથી મળતી. કદાચ એ બહાનું કાઢશે કે રૂટિનમાંથી બહાર આવીએ ત્યારે નવું વિચારવાની તક મળે ને ? પણ આ ખરા અર્થમાં બહાનું જ છે. કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી. આપણે જેને કમ્પલસરી રૂટીન કહીએ એ તો વધુમાં વધુ સવારના છ વાગ્યાથી શરૂ થઈને રાતે બાર વાગ્યા સુધીમાં પતી જતું હોય છે અને દર વખતે શરીર અને મન એટલાં થાકેલાં નથી હોતાં કે નવું વિચારવાની શક્તિ ન રહે ! હકીકત એ છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરી દઈએ છીએ કે નવું કરવાથી કંટાળીએ છીએ કે પછી સેફ રૂટીનમાંથી બહાર નીકળતાં ડરીએ છીએ !

ખોટું લાગતું હોય તો આજે રાતે સૂતાં પહેલાં કે કાલે સવારે ઊઠીને ખુદને પૂછી લેજો : ‘જીવનમાં નવું શું છે?‘

No comments:

Post a Comment