Monday, August 16, 2010

હું મારી જ શોધમાં

જંગલમાં તપ તપતા એક બાવાજીના માથામાં પુષ્કળ જૂ થઈ ગઈ. ખૂબ ચટકા ભરે. બાવાજી માથું ખંજવાળવા જોરથી હાથ ફેરવે તો પાંચપંદર જૂ મરી જાય. પોતાની વેદના કરતાંય આ જૂ મોટી સંખ્યામાં મરી જતી હોવાથી બાવાજી દુ:ખીદુ:ખી થઈ ગયા. અવારનવાર પોતાના દર્શને આવતા એક ભક્તને બાવાજીએ કહ્યું : ‘ભાઈ ! શહેરમાંથી એક સારા હજામને બોલાવી લાવ. માથા પરના બધા વાળ મારે ઉતરાવી નાખવા છે.’

બીજે દિવસે પેલો ભક્ત હજામને લઈને બાવાજી પાસે આવ્યો. બાવાજીએ હજામને કહ્યું, ‘ભાઈ ! વાળ તું એવી કાળજીથી કાપ કે જેથી માથામાં રહેલી એક પણ જૂ મરે નહિ.’ હજામ દયાળુ હતો. જૂથી ખદબદી ઊઠેલા બાવાજીના માથાનો એકએક વાળ હજામે કાળજીથી કાપવા માંડ્યો. તમામ વાળોને ઉતારતાં પૂરા સાત કલાક લાગ્યા; પણ બાવાજીના અને હજામના એ બન્નેના આનંદનો પાર નહોતો; કારણ કે તમામ જૂ બચી ગઈ હતી ! હજામની વાળ કાપવાની આવડતથી પ્રસન્ન થયેલા બાવાજીએ હજામને પોતાની ઝૂંપડીમાં આવવા કહ્યું. હજામ બાવાજીની સાથે ઝૂંપડીમાં ગયો. બાવાજીએ એક ડબ્બી ઉઠાવી પછી હજામને કહ્યું, ‘બેટા ! જીવો પ્રત્યેની તારી દયા જોઈને હું તારા પર ખૂબ પ્રસન્ન થઈ ગયો છું. વરસોથી મારી પાસે પડેલો પારસમણિ ‘કોને આપવો ?’ એની મને મૂંઝવણ હતી પણ મને લાગે છે કે આ પારસમણિને લાયક તું છે. માટે લે બેટા ! આ પારસમણિ ! લોખંડને અડાડીશ એટલે તુર્ત જ એ લોખંડ સોનામાં રૂપાંતરિત થઈ જશે !’ આમ કહી બાવાજીએ ડબ્બી ખોલીને તેમાં રહેલો પારસમણિ હજામના હાથમાં મૂક્યો. હજામ તો બાવાજીની આ ઉદારતા જોઈને ગદગદ થઈ ગયો. આંખમાં આંસુ સાથે બાવાજીના પગમાં પડી ગયો. અને બાવાજીના આશીર્વાદ લઈને પોતાના ઘર તરફ આવવા નીકળ્યો.

મનમાં આનંદનો પાર નથી. કેટલી મામૂલી સેવાનું કેટલું ઊંચું ફળ મળ્યું ! સીધો આવ્યો પોતાની દુકાને. હૅર કટિંગ સલૂનમાં પડેલાં તમામ લોખંડનાં સાધનોને પારસમણિ અડાડ્યો. તમામ સાધનો સોનાનાં થઈ ગયાં. બીજે દિવસે દુકાનની બહાર મોટા અક્ષરે પાટિયું લગાવ્યું : ‘આ સલૂનમાં તમારા વાળ કપાવવા તથા હજામત કરાવવા જરૂર પધારો; કારણ કે અમે સોનાના અસ્ત્રાથી તમારી હજામત કરી આપીશું અને વાળ પણ સોનાની કાતરથી કાપી આપીશું !’

બિચારો હજામ ! પારસમણિ જેવો પારસમણિ મળ્યો તોય રહ્યો તો હજામ જ ! ટનનાં ટન લોખંડને સોનામાં ફેરવી દે તેવી પ્રચંડ તાકાત ધરાવતા પારસમણિનો ઉપયોગ કર્યો તેણે કાતર અને અસ્ત્રાને સોનામાં ફેરવી નાખવામાં ! હજામની મૂર્ખાઈ પર આપણને હસવું આવે છે. પણ આપણે હજામ કરતાંય વધુ મૂર્ખાઈ કરી રહ્યા હોઈએ તેવું નથી લાગતું ? વર્તમાનકાળમાં આપણને મળેલી એકએક સામગ્રી પારસમણિ કરતાંય વધુ તાકાતવાળી છે. પારસમણિ વધુમાં વધુ આ જન્મમાં કામ લાગે અને તેય માત્ર સંપત્તિ જ આપી શકે. પણ રોગોને અટકાવવાની, મોતમાં સમાધિ આપવાની, પરલોકમાં સદગતિઓની પરંપર સર્જવાની તેની કોઈ જ તાકાત નહિ. જ્યારે ધર્મસામગ્રીઓથી યુક્ત આ માનવજન્મની તાકાત કેટલી ? અનંતાનંત કાળથી ચાલતા આત્માના સંસારના પરિભ્રમણને સ્થગિત કરી દેવાની તેની તાકાત છે. દુર્ગતિઓને એ તાળાં લગાવી શકે છે. સદગતિઓના દરવાજા તે ખોલી આપે છે. મોતને મહોત્સવમય તે બનાવી શકે છે. રોગને કર્મક્ષયનું પ્રબળ કારણ તે બનાવી શકે છે. સંપત્તિઓના ઢેરના ઢેર વચ્ચે તેને અદ્દભુત સ્વસ્થતા તે અર્પી શકે છે. ટૂંકમાં કહીએ તો આત્માના આલોક અને પરલોક એ બંનેને સુવર્ણમય બનાવી દેવાની તેની પ્રચંડ તાકાત છે. પારસમણિ કરતાંય પ્રચંડ તાકાતવાળા આ જન્મને પામીને આપણે તેનો ઉપયોગ શેમાં કરીએ છીએ એ શાન્ત ચિત્તે વિચારવા જેવું છે.

No comments:

Post a Comment