Thursday, September 2, 2010

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

શ્રાવણ માસની વદ આઠમના દિવસે રાત્રિના બાર વાગ્યે મથુરાનગરીના કારાગારમાં વસુદેવની પત્ની દેવકીના કૂખે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો એ સાથે જ એક નવા યુગની શરૃઆત થઈ એમ કહી શકાય. કારણ કે જ્યારે ચારેબાજુ દાનવી અને પાશવી વૃત્તિએ જોર પકડયું હતું ત્યારે શ્રીકૃષ્ણનો જન્મ એ દૈવીવૃત્તિના ઉદયને સૂચવે છે. ભગવાન શ્રીકૃષ્ણે રાક્ષસી વૃત્તિના કંસ, જરાસંધ જેવા દુષ્ટ લોકોનો સંહાર કરી સમાજમાં ફરી દૈવી શક્તિનો સંચાર કરવા પ્રયત્નો કર્યા હતા. અંધકારમય યુગને ખતમ કરવા જન્મેલી દૈવી શક્તિ એટલે જ શ્રીકૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં કૌરવો - પાંડવો વચ્ચેની ધર્મ - અધર્મની લડાઈમાં પાંડવોના પક્ષે રહીને તેમને વિજય અપાવવામાં મદદ કરીને ધર્મની સ્થાપના કરી અને ભારતીય સમાજ માટે સંદેશ મોકલાવેલ છે કે હંમેશા સત્ય અને ધર્મનું આચરણ કરો.

શ્રીકૃષ્ણનું જીવન જ એવું ઉદાત્ત અને કલ્યાણકારી હતું કે જેના કારણે સામાન્ય પ્રજાજનને એવું લાગતું હતું કે કૃષ્ણ મારા જ છે. રાજા હોય કે રંક, શ્રીકૃષ્ણ સૌને માટે સરખા હતા. તેનો સાચો અનુભવ પાંડવોને તો થયો જ હતો તો ગરીબ મિત્ર સુદામાને પણ થયો હતો. મુરલીધરે જે દિવસે સંસારમાં પગરવ પાડયા તે વખતે જ વાદળોનો ગડગડાટ થતો હતો. વીજળીના કડાકા બોલતા હતા અને મુશળધાર વરસાદ તૂટી પડયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કંસ જેવા અત્યાચારી રાજાનાં દમનમાંથી સમાજને છોડાવવાની સૌ પ્રતિક્ષા કરી રહ્યું હતું ત્યારે જ કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કોને આનંદ ન થાય ?

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષ પહેલાં જ્યારે ધરતી પર કૃષ્ણ પધાર્યા ત્યારે મથુરા અને ગોકુળની પ્રજા આનંદમાં આવી ગઈ હતી. કારણ કે તેમની મુક્તિનો તારણહાર તેમની સાથે હતો. સર્વ દુઃખો ભૂલી જઈને લોકો કૃષ્ણમય બની ગયા તે ઉત્સવ એટલે જન્માષ્ટમી. હજારો વર્ષથી ભારતીય સમાજ કૃષ્ણ જન્મોત્સવને ઉજવીને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી રહ્યો છે. કૃષ્ણભક્તિ એટલે સત્ય અને ધર્મ પ્રત્યેની સાચી નિષ્ઠા. શ્રીકૃષ્ણ આજે પણ આપણા સૌના પથદર્શક છે અને જીવન ઉદ્ધારક છે. કારણ કે ભારતીય સમાજ જીવનમાં કૃષ્ણ જેવો કોઈ આધ્યાત્મિક, નૈતિક કે પછી રાજકીય રીતે ઉત્તમ પુરુષ થયો નથી. કૃષ્ણનું સમગ્ર જીવન સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે જ ગયું હતું. તેઓ હંમેશા ધર્મના પક્ષે રહ્યા અને અસુરોનો સંહાર કરતા રહ્યા.

શ્રીકૃષ્ણમાં એવી ગજબની આકર્ષણ શક્તિ હતી જેનાથી સૌ તેમના પ્રત્યે આકર્ષાતા હતા. કૃષ્ણે ગોવાળિયાઓને ભેગા કરીને તેમનો પ્રેમ જીતી લીધો હતો. તેમણે પોતાના જીવન થકી સામાન્ય લોકોને બોધ આપ્યો કે કર્મ, સત્ય અને નિષ્ઠા હશે તો જીવનમાં જરૃર આગળ વધી શકશો. પ્રભુ તમારી પાછળ ઊભા રહેશે. ભગવાન શ્રીકૃષ્ણ અન્ય લોકોના કલ્યાણ અર્થે તો ધરતી પર અવતર્યા હતા. તેમની હયાતીથી માનવીઓ, પશુ - પંખીઓ અને તમામ જીવો આનંદિત હતા. આજે પણ જન્માષ્ટમી આવતા સૌ આનંદવિભોર બની જાય છે. ચારેબાજુનું વાતાવરણ કૃષ્ણમય બની જાય છે. જન્માષ્ટમીના દિવસે ભારતમાં કોઈ એવું શહેર કે ગામ બાકી નહીં રહે જ્યાં કૃષ્ણને યાદ કરવામાં ન આવે. જેમ ભગવાને સૌના દિલ જીતી લીધા હતા તેમ જન્માષ્ટમીનું પર્વ પણ કરોડો હિન્દુસ્તાનીઓના હૃદયોને પુલકિત કરી દે છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભારતને જોડનારા મહાપુરુષો છે. રામે ઉત્તરથી દક્ષિણ ભાગને જોડયો તો શ્રીકષ્ણ દ્વારા પૂર્વથી પશ્ચિમ ભાગ જોડાયો છે. રામ અને કૃષ્ણ વગર ભારતની કલ્પના થઈ શકે નહિ. બંને કલ્યાણકારી હતા. છતાં પણ તેઓની ભૂમિકા થોડી જુદી હતી. રામે પરિવાર એકમને પકડીને સમાજને વિકાસનો માર્ગ બતાવ્યો. જ્યારે કૃષ્ણે સમાજના જુદા જુદા એકમો પકડીને સમાજનું નિયમન કર્યું. સમાજના વિકાસ કાર્યની વચ્ચે જે કોઈ આવ્યા તે બધાને સીધા કરી નાખ્યા હતા. જ્યારે દુર્યોધન, કંસ, કાલવયન, નરકાસુર, શિશુપાલ, જરાસંધ જેવા આસુરી તત્ત્વો લોકોને રંજાડી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણે ધર્મ અને નીતિનું સુદર્શન ચક્ર હાથમાં લઈને અસુરોનો સંહાર કર્યો હતો. સંસ્કૃતિપ્રેમી પાંડવોના તેઓ સદાને માટે માર્ગદર્શક બની રહ્યા. અર્જુનના રથની જેમ તેના જીવનરથને પણ પ્રભુ જ સંભાળતા હતા. કટોકટીના પ્રસંગે અને કપરા કાળમાં તેઓ પાંડવોને ઉગારી લે છે. જરૃર પડયે ધર્મને ખાતર તેઓ પાંડવોને જેવા સાથે તેવાની નીતિ પણ અજમાવવા કહે છે. કારણ કે તેઓ રાજનીતિજ્ઞા પણ છે.

જગતનો ઈતિહાસ હંમેશા પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ડોલતો રહ્યો છે. આ બંનેનો સમન્વય ભગવાન શ્રીકૃષ્ણે કરેલો છે. ભગવદ્ ગીતામાં તુલનાત્મક વિચાર રજૂ કરી પ્રવૃત્તિનું અને નિવૃત્તિનું માધ્યમ તેમણે આપેલું છે. તેમણે જીવનનો કર્મયોગ સમજાવ્યો છે તેથી જગદ્ગુરુ સ્થાન પર બિરાજે છે. ભક્તિ અને જ્ઞાાન જેણે જીવનમાં અપનાવ્યા છે એવા નિષ્કામ કર્મયોગીની સમજણ ગીતામાં શ્રીકૃષ્ણે આપેલી છે. ગીતાનું જ્ઞાાન સૂતેલા વ્યક્તિને બેઠો કરે છે. સાવ નંખાઈ ગયેલ વ્યક્તિમાં પણ ચૈતન્ય પૂરવાની તાકાત તેનામાં રહેલી છે. આજે ચેતનત્વ ગુમાવી બેસેલા સમાજે ફરી બેઠો થવા ગીતાના વિચારને જીવનમાં ઊતારવાની જરૃર છે. કૃષ્ણનું એ દિવ્ય ધ્યેય જીવનમાં આવવું જોઈએ. ત્યારે જ કૃષ્ણ મુરલી વગાડીને બધી પ્રવૃત્તિઓને રાસ લેતી કરશે.

આજે આખું જગત કૃષ્ણના વિચારોને સ્વીકારવા તૈયાર છે. કૃષ્ણે પ્રત્યેક ક્રિયામાં પ્રાણ પૂર્યા છે. રમતમાં જીવન ભરનાર અને જીવનને રમત બનાવનાર એટલે શ્રીકૃષ્ણ. કૃષ્ણ એટલે કલ્યાણ, આનંદ અને જીવનની સુગંધ. જેના જીવનમાં કૃષ્ણનો પ્રવેશ થયો હોય તેનું જીવન આનંદમય જ બની જાય છે. જેણે ટૂંકા ગાળામાં જ જીવનનો મર્મ બતાવેલ છે તે પરમાત્મા શ્રીકૃષ્ણના જન્મદિવસ પર્વના રોજ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ તો આપણું જીવન ધન્ય બની જાય.

સૌજન્ય :સંદેશ

No comments:

Post a Comment