Tuesday, May 12, 2009

માલીદાસ ભરવાડ

માલીદાસ નામનો એક ભરવાડ હતો. તે ઢોર ચરાવતો અને જીવન ગુજારો કરતો હતો.એક દિવસ એણે એક બ્રાહ્મણ મહારાજને જોયા. મહારાજ નદીમાં પડયા અને નાહ્યા. પછી કિનારે બેસી તેમણે પલાંઠી મારી. નાક પર આંગળી મૂકી તેમણે ધ્‍યાન કર્યું. મહારાજ ઊભા થયા
ત્‍યારે માલીદાસે પૂછયું કે તમે આ બધું શું કર્યું. મહારાજે કહ્યું, ‘‘તું અભણ ભરવાડ છે. તને એ બધું નહીં સમજાય.’’
માલીદાસે એ જાણવા માટે જીદ કરી તેથી બ્રાહ્મણે કહ્યું, ‘‘સ્‍નાન કરી હું શુધ્‍ધ થયો. શુધ્‍ધ થયા પછી જ ધ્‍યાન ધરાય. ધ્‍યાન ધરવા મેં નાકે આંગળી મૂકી શ્વાસ રોકયો. એ રીતે શ્વાસ રોકીએ તેને પ્રાણાયામ કહેવાય.’’
માલીદાસે પૂછયું, ‘‘એમ કરવાથી શું મળે ?’’ માલીદાસ ને માથું ખાતો રોકવા બ્રાહ્મણે કહી દીધું, ‘‘એમ કરવાથી ઈશ્વરનાં દર્શન થાય.’’
બ્રાહ્મણના ગયા પછી બીજે દિવસે સવારે માલીદાસ નહાઈને ચોખ્‍ખો થયો. બ્રાહ્મણની જેમ પલાંડી મારી બેઠો અને નાકે આંગળી મૂકી શ્વાસ રોકયા. ઈશ્વરનાં દર્શન થયાં નહીં એટલે તેણે તો શ્વાસ રોકી જ રાખ્‍યો. શ્વાસ લીધા વગર તેના પ્રાણ જવાની તૈયારી હતી. તેની સાચી તાલાવેલી? જોઈ ભગવાને દર્શન આપ્‍યાં.

માલીદાસે પૂછયું, ‘‘તમે કોણ છો ?’’
ભગવાને જવાબ આપ્‍યો, ‘‘હુ; ભગવાન છું’’
માલીદાસે પૂછયું, ‘‘તમે ભગવાન છો તે હું કેમ માનું ? મારે મારા ગુરુ બ્રાહ્મણ મહારાજને પૂછવું પડે.’’
ભગવાને કહ્યું, ‘‘ભલે તેમને પૂછી આવ.’’
‘‘ત્‍યાં સુધીમાં તમે ભાગી જાવ તો ? હું તમને મારા દોરડા વડે આ ઝાડ સાથે બાંધી રાખું અને બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવું.’’ ભરવાડે કહ્યું.
ભગવાને કહ્યું, ‘‘ભલે.’’ માલીદાસે ભગવાનને ઝાડ સાથે બાંધ્‍યા. પછી તે બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવ્‍યો. ઝાડ સાજે બાંધેલા ભગવાનને બતાવી તેણે મહારાજને પુછયું, ‘‘ગુરુ મહારાજ, આ જ ભગવાન છે કે ?’’
બ્રાહ્મણ મહારાજને તો કંઈ દેખાતું નહોતું. મહારાજે તો કહ્યું, ‘‘મને તો કંઈ દેખાતું નથી’’ ભરવાડે પૂછયું કે ઝાડે બાંધેલો આ પુરુષ તમને દેખાતો નથી? બ્રાહ્મણે તો ના પાડી. ત્‍યાં આકાશવાળી થઈ, ‘‘હે બ્રાહ્મણ, તું ઉપરછલ્‍લા ક્રિયાકર્મ કરે છે તેથી હું તને દેખાતો નથી. આ ભરવાડે ખરા હ્રદયથી ધ્‍યાન ધર્યું તેથી મેં તેને દર્શન આપ્‍યાં છે.’’ બ્રાહ્મણે માલીદાસે ને કહ્યું, ‘‘હા, તને દેખાય છે તે ઈશ્વર જ છે.’’
માલીદાસ તે પછી સંત માલીદાસ કહેવાયા. બ્રાહ્મણે હવે સાચી લગની અને તાલાવેલીથી ધ્‍યાન માંડ્યું. આવા ધ્‍યાનથી જ ઈશ્વરનાં દર્શન થાય છે.

2 comments:

  1. ashvinbhai khubaj sarash tamaro blog che

    ReplyDelete
  2. really a nice story i am thankful to you that you have put up nice blog regards to our community...

    ReplyDelete