Monday, March 29, 2010

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે…

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે……
- મુનિ શ્રી ચિત્રભાન

Friday, February 26, 2010

દિલ પૂછે છે મારૂં...

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે? થાકેલા છે બધા છતાં,લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?...

બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

Wednesday, December 9, 2009

આપણે ગુજરાતીઓ - ગુજરાતી ગૌરવ ગાથા

આપણે ગુજરાતીઓ …..

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’! આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.

આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે. વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને. ‘મનીમાઈન્ડેડ’ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.

આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે. (ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…. દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડ તમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…) આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાના શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ. ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે.

ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ. ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં. વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’ વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે.

પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!) દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !) ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?) હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે? જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો.

જ્ય જ્ય ગરવી ગુજરાત’. ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત’.


[પ્રસ્તુત હાસ્ય-લેખ ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

Wednesday, August 19, 2009

આ માનસ જાને મોબાઇલ થઇ ગયો...

આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઇ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

સામે કોણ છે એ જોઇને
સંબંધ રિસીવ કરતો થઇ ગયો
સ્વાર્થનાં ચશ્માં પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઇ ગયો
મીસીસને છોડીને મિસને
એ કોલ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

પડોશીનું ઉચું મોડેલ જોઈ
જુવોને જીવ બળતો થઇ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

હોઈ જુનાગઢમાં અને છું અમદાવાદમાં
એમ કહેતો એ થઇ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

ઇનકમિંગ- આઉટ ગોઇગ ફ્રિ ના ચક્કરમાં
કુટુંબના જ કવરેજ બહાર એ થઇ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝેરો એ થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

Tuesday, August 4, 2009

એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહિ થયેલી, એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો, અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું. ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર રાખી લીધો.

સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો, ત્યારે એ હજી નિરાંતે સૂતો હતો. તેને ઊઠાડ્યો. ‘મારાથી તો નહિ અવાય, સાથી આવશે,’ એમ કહીને એ તો પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ-પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું : જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.
‘લ્યો ચાલો, તૈયાર જ સો નાં ?’
ગુપચુપ સામાન મૂક્યો. સાંઢ પર કાઠું મુકાયું, ને એ પડ્યા કે મર્યા એમ કરતુંકને, પોતાના શરીર જેટલી જ કઢંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું : ‘એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાય જાય નહિ.’
‘હવે એમ તે ફંહાય ? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું ?’ એમ બોલતાંકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું.

થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી : ‘ઈ તો દેવાને મારું કર્યું નો કર્યું કરવાના હેવા સે. બાકી મારી બોન બધુંય હમઝે એવી સે તો !’

ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિપંડિતો અતિ અશુદ્ધ બોલે છે. તેમ આ ઊંટ પરનો સજ્જન પણ, પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો ‘હ’ ને ‘સ’ નો ક્યારેક ‘ચ’ ને ‘છ’ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરાજરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું : ‘સેઠ ! ભો રાખસો મા હો. હા. તમતમારે ‘ચત્રી’ ઉઘાડવી હોય તો ઉઘાડજો ભઈ ! સાંઢનો ભો રાખહો મા. મારો હાથ વરતે તો.’
એ જ વખતે જરાક ઉતાવળે ચાલતાં, સાંઢનો પગ એ ગયો, એ ગયો એમ થઈ ગયું.
‘તમારે દેવો શું થાય ?’
‘કેમ વળી ? દેવાના ઘરમાં મારી બોન સે તો. દેવામાં શું અકલેય બળી સે; મારી બોન જ બધુંય હાચવે કારવે.’
‘એ…મ?’
‘તંઈ !’

એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં ‘જોયાં. કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાંનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અરધું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં ‘ઓ-ય-રે!’ કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અરધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.

‘સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.’ એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું : ‘તમારું નામ ?’
‘મારું નામ કાળો.’
‘એમ કે કાળાભાઈ…. તમે આ ધંધો –’
હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું : ‘આ સાંઢ મારો હાથ બહુ વરતે તો. દેવાને હાથ નો રિયે.’
‘હા પણ કાળાભાઈ….’
પૂરું વાક્ય જ ક્યો ભાઈ થાવા દે ? સવાલ પુછાય તે પહેલાં તો કાળાની જીભ છૂટી : ‘મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું’તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો – ઈ તો હવે બહુબહુ દખ પડ્યાં.’
‘ના પણ કાળાભાઈ. તમે અત્યારેય કાંઈ ઓછા રૂપાળા નથી તો !’

અબનૂસના લાકડા જેવો કાળો ચળકતો વાંસો, કોઈ ચિત્રકારને ‘બ્લૅક’ નો કે ‘શિલહુટ’ નો બહુ શોખ હોય તો ખપ આવે તેવો, મારે સ્ટેશને પહોંચતા સુધી, ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો; એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ‘ના, પણ તોય, હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલાં વરહ ધારો સો ?’
મેં પાંચ વરસ ઓછાં કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી, કે ગમે તેમ, હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જાશે તેમ લાગ્યું. પણ જ્યારે જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે ‘સાંઢ મારો હાથ વરતે તો, દેવાને હાથ નો રિયે’ – એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો.

હવે આને બહુ વાતોએ ચડાવવો નહિ, કારણકે એના મનમાં એની આવડતની રાઈ ભરી છે, અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે, માટે ચૂપ જ રહેવું, નહિતર જો સાંઢ ફસાઈ ગઈ, તો નીચે ઊતરવાનો વખત પણ નથી રહેવાનો. ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતાં, એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અરધું ધોતિયું ગયા વિષે મનમાં ને મનમાં કરુણપ્રશસ્તિ શરૂ કરી, ત્યાં તો કાળો બોલ્યો :

‘આ ગામ આવ્યું ઈ રોડું.’
‘હં.’
‘ન્યાં મારી માશી રિયે સે. એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો.’
‘કાળાભાઈ ! દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું, એમ ?’
મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહિ એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભારી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું, ત્યાં તો કાળાએ જવાબ વાળ્યો :
‘તે નો પડે ? શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે ? મારા બાપને ત્યાં તો પંદર સાંઢ. અમારો તો પંદર પેઢીનો ધંધો.’

‘માર્યા. એ….ગ…યા….’ મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી.
‘તમે શું કરવા ભો રાખો સો ? આ સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો એને નો ગાંઠે.’
‘હં.’ મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંસ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે, તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ, અરે રામ, આ કાળાભાઈએ ફરી શરું કર્યું.
‘હું પહેલા તો ગધેડામાં જાતો. અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે, સાંઢ્યુંમાં ભીખલાને મોકલો, ભીખલાને.’
માર્યા. મારાથી રહેવાયું નહિ : ‘ભીખલો કોણ ?’
ભાઈશ્રી કાળાભાઈ હસ્યા : ‘મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈં બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે, હો !’
‘એમ કે ?’
‘ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું.’

મારા મનમાં શંકા ઊઠી કે આવા રૂપાળા ‘ભીખલા’ ભાઈનું ‘કાળો’ નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણવ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ‘ભીખલો-કીકલો-કીલો-કાલો’ એવાં રૂપાંતર હૈયે ચડે નહિ. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. ‘કાળાભાઈ ! જોજો હો, કાદવ આવે છે.’
‘અરે, સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો કાંઈ કહેવાય નહિ.’
એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂરદૂરથી દેખાવા લાગ્યું.
‘કાળાભાઈ ! આપણો મારગ તો આ જ કે ?’
‘અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે – હો. જો ને – આઘે જાળનું ઝાડ દેખાય.’
‘હા.’
‘આ ઈ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહિ હો. ઈ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે નાં, ઈ તો મારે ત્યાં કામ કરતો હોય. અને હજીયે મારી બોન જ બધુંય જાળવે છે.’
‘એમ કે ?’
‘તંઈ ! આ જાળ દેખાય છે નાં, ન્યાં, હું ગધેડાં ચારવા આવતો. તે દી અમારે ત્યાં બે ત્રણ સાંઢ પણ ખરી.’
મનમાં વિચાર્યું કે માર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી.
‘એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે.’

હરિ ! હરિ ! હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો – કારણકે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. તેમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે, ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ; એટલે કાં તો આજે આપના રામ રમવાના છે. પણ હવે થાય શું ? સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય.

કાળાએ તો આગળ હાંક્યું : ‘પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશાં ખાડું ચારવા આવે. ને અમે બેય જણાં – આ તળાવ દેખાય છે નાં – ન્યાં બેઠાં બેઠાં વાતું કરીએ. કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઊતરતો આવ્યો. એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો. અને કાળીને કહ્યું કે જો તું મારું નો માને તો હું મરું. મને સાંભરે છે કે બીજે દિવસે કાળી ખાડું ચારવા આવી ત્યારે ઈ ઝાડ – જો, પેલુ દેખાય ઈ – ત્યાં રોઈ; અને મને બધી વાત કરી. ‘મેં તો કહ્યું, હાલ્ય ને પરદેહમાં હાલ્યાં જઈ : ન્યાં કોણ ભાવ પૂછે ?’
પણ કાળીએ કહ્યું, ‘ના, મારી મા મરી ગઈ, ને અમારામાં તો નાતરું-આછું-પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું, કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુ:ખી થાય એ મારે નો જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાઉં ?’
‘તઈં, તારા જીવ મારી હારે ભાળ્યો નથી નાં ?’ મેં પૂછ્યું.
કાળીએ જવાબ વાળ્યો : ‘તારી હારે મારો જીવ ચોંટી ગયો છે. પણ મારે બાપે મારા સાટુ આટલું વેઠ્યું ને હું હવે નગણી થાઉં તો મનખાદેહ લાજે.’

‘પછી મન મૂકીને અમે રોયાં. છૂટાં પડ્યાં ઈ પડ્યાં. આ આજની ઘડી ને કાલનો દી. તે દીથી કાળીને મેં ધરમની બોન માની. ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી, માતર માટે હરામ, લ્યો. બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો, પણ ધરમ મોટી વાત છે નાં ? આ દેવાના ઘરમાં છે કે નહિ, એ જ મારી ધરમની બોન… કાળી !’
‘હેં !’
‘હા.’
‘ત્યારે દેવો તમારો સગો નથી એમ ?’
‘ના. પણ કાળી મારી ધરમની બોન છે. હજી ઠેસણે જાવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભરી આવે. પણ કાંઈ ધરમ-વરત ચુકાય ?’

દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કાંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચુપ થઈ ગયો.

– ધૂમકેતુ