Thursday, March 19, 2009

લાગ્યો કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ – રાજ મને...

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ – રાજ મને...

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ – રાજ મને...

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વ્હાલી દિલદારાન પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ મને...

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ – રાજ મને...

પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ – રાજ મને...


ધરતીના ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ – રાજ મને...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !
પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલા હો !
લેજો કસુંબીનો રંગ – રાજ મને...

- ઝવેરચંદ મેઘાણી

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

હે રંગલો....

હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…

હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.

હે હે હે…..હે જી
સાંજ ને સુમારે જ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..

હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

Wednesday, March 18, 2009

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા

થોડુ ગિરનાર પર્વત વિશે...

ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ જીલ્લામાં આવેલ પર્વતોનો સમુહ છે. તેમાંનો ઊંચામાં ઊંચો પર્વત ૯૪૫ મી. (૩૧૦૦ ફીટ) છે જે ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતના ધાર્મિક શ્થળો માનો એક છે.જે અમદાવાદ થી ૩૨૭ કી.મી. દૂર જુનાગઢ મા આવેલ છે.

આ એક પવિત્ર સ્થળ અને હિન્દુ તથા જૈન લોકો માટે મહત્વનુ યાત્રાધામ છે.અહીં ઘણાબધા મંદિરો આવેલા છે.સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનુ ધાર્મિક વાતાવરણ રચે છે.આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમ ધર્મ શ્થાનકો મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની "અનેકતા મા એકતા" નુ સચોટ ઉદાહરણ પૂરૂ પાડે છે.