Tuesday, June 30, 2009

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.પ્લાન્ટ(ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

સૌજન્ય : વિનય ખત્રી

Thursday, June 18, 2009

ચાંદો સૂરજ રમતા’તા...

ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી,
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં.

બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો.
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યુ.

દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું,
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો.

ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી.
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી.

માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો,
ધડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું.

પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં,
ફુલ મેં પુજારી ને અપ્યા, પુજારી એ મને પ્રસાદ આપ્યો,

પ્રસાદ મેં બા ને અપ્યો, બા એ મને લાડવો આપ્યો,
ઇ લાડવો હું ખાઇ ગ્યો, અને હું અવડો મોટો થઇ ગ્યો....

Friday, June 12, 2009

વૈષ્ણવજન તો તેને રે કહીયે - નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

- નરસિંહ મહેતા

Thursday, June 11, 2009

આંધળો આંધળાને દોરે છે.

એક ધનવાન- સમાજસેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા. ત્‍યાં રોકકળ કરતો એક ધોબી નીકળ્યો. એ મોટે મોટેથી રડીને કલ્‍પાંત કરતો હતો. સમાજસેવકે પૂછયું, ‘‘શું થયું ભાઈ! કેમ આવું? કલ્‍પાંત કરે છે ?’’ ધોબી ઊભો રહ્યો અને રડતાં રડતાં જ બોલ્‍યો, ‘‘ગંધર્વસેનનું મૃત્‍યુ થયું છે.’’ધનવાને પૂછયું, ‘‘કોણ ગંધર્વસેન ?’’
ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, ‘‘ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ ? મારું તો સર્વસ્‍વ લૂંટાઈ ગયું.’’ રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્‍યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.
બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્‍યાં સામે રાજયના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછયું. સમાજસેવકે જણાવ્‍યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્‍યું છે તો તેમણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્‍યું.
પોલીસવડાનું બોડાવેલું માથું જોઈ રાજાએ ગંભિરતાથી પૂછયું, ‘‘કોનું અવસાન થયું છે ?’’ પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્‍યું, ‘‘મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.’’ રાજાએ તરત રાજયમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્‍વજ અડધી કાઠીએ ફરકાવવા હુકમ કર્યો. રણવાસમાંથી મહારાણી બહાર આવ્‍યાં. તેમણે બધે શોકનું સામ્રાજય જોયું. મહેલનો ધ્‍વજ અડધી કાઠીએ ફરકતો જોય. તેમણે રાજાને પૂછયું, ‘‘મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે?’’ મહારાજે કહ્યું, ‘‘ મહાન પૂજય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્‍ટ્રીય શોક જાહેર થયો છે.’’
મહારાણીએ પૂછયું, ‘‘ગંધર્વસેન કોણ હતાં? કયા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?’’ રાજાને તેની ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછયું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, ‘‘એ તો સમાજસેવકશ્રી જાણે.’’ સમાજસેવકને બોલાવ્‍યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્‍યો. ધોબીએ આવી કહ્યું, ‘‘મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા- લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્‍પાંત કરતો હતો.’’
જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે.

Wednesday, June 10, 2009

શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે...



એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે

દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.