Tuesday, March 31, 2009

મારી હૂંડી સ્વીકારો મહારાજ, શામળા ગિરધારી
– નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

Thursday, March 26, 2009

નરસિંહ મહેતા – નારાયણનું નામ જ લેતાં...

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

Wednesday, March 25, 2009

એક સપનુ ભગવાન સાથે...

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.

બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં.

અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ.

તે ઈશ્વર પર નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે.
એ વખતે મેં તને તેડી લીધેલો.

"આભમાં ઊગેલ ચાંદલો" - શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.

ઝવેરચંદ મેઘાણી - 'રાષ્ટ્રીય શાયર'

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાથા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્ક્રુતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કલકત્તા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગલેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ તેઓ નોકરી છોડીને બગસરા સ્થાઈ થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થીત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહીત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહીત્યનાં પરીચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાઈ થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુર્બાનીનાં પુષ્પો' ની રચનાં કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રંજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'કાવ્ય ત્રુપ્તી' ની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમી નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોશીકથી સન્માનવામાં આવ્યું હતું અને તેજ વર્ષે તેમને ગુજરાતી સાહીત્ય પરીશદનાં સાહીત્ય વિભાગનાં મુખ્યા તરીકે નીમવામાં આવેલાં.

૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય હુમલામાં તેમના બોટાદ સ્થીત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

---------જીવન ઝરમર---------

નામ : ઝવેરચંદ મેઘાણી
જન્મ : ૨૮-૦૮-૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ : ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય : સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર : મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ : સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું