Wednesday, March 25, 2009

આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે.
એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’
વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’

અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

જીવવા માટે પણ સમય નથી...

દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા, જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે, પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ, મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે, પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું, પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા, કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ, જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ, શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને, જીવવા માટે પણ સમય નથી....

Monday, March 23, 2009

રાજન્ કયો માણસ મરેલો કહેવાય ???

રાજા નો એક નોકર પાલખી છોડી ને જતો રહ્યો. બાકી ના ત્રણ નોકરો જડભરત ને પાલખી ઉપાડવા પકડી લાવ્યા.

જડભરત જીવહિંસા ન થાય તેનું ધ્યાન રાખી વારે ઘડીયે ઉંચા નીચા થતા તેથી પાલખી સરખી ચાલતી નહીં. રાજા ને આને કારણે તકલીફ થતી તેથી બોલ્યો – આ કોણ મરેલો મરેલો ચાલે છે ?

જડભરત નો જવાબ હતો કે –

“જે માણસનો ભાર ચાર જણ ખભાપર ઉંચકી ને જતા હોય તે માણસ મરેલો કહેવાય…. સ્મશાન માં જતી ઠાઠડી નો ભાર ચાર જણ વચ્ચે જેમ વહંચાય તેમ… તેથી હે રાજન મરેલો કોણ છે. તે તો જાહેર છે. વળી હું તો આજ રીતે ચાલીશ કારણ કે મારા પગ નીચે કીડી મંકોડા ચગડાઈ ને મરે તે મને મંજુર નથી કારણ કે હું કોઈ જીવને જીવાડી શકતો નથી તો પછી મને મારવાનો પણ કોઈ અધિકાર નથી. થોડોક શ્વાસ ખાઈ ને જડભરતજી એ કહેવા નું ચાલુ રાખ્યું કે રાજન્ કયો માણસ મરેલો કહેવાય તેની તમને ખબર નથી પણ મને છે. જે માણસ બીજા ની કમાણી નું ખાય…. જે પોતાના જીવન માટે બીજાની પાસે મહેનત કરાવે તથા જે અન્ય નું શોષણ કરી પોતાનો નિર્વાહ કરે તે માણસ મરેલો કહેવાય. હું તેમાનુ કશુ કરતો નથી તેથી તમે જાતે નક્કી કરો કે કોણ શું છે ? “

રાજા એ જડભરત ના વાક્યો પર વિચાર કરી ને પાલખી રોકી તેમને પગે પડ્યો, અને સ્વાશ્રયી અને પરગજુ જીવનાની પ્રતિજ્ઞા લીધી.

Thursday, March 19, 2009

એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

પોતાના 'પ્રોજેક્ટ'ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો,
પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,
દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ,
મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,
'કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,
શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

'કૉડીંગ' કરતા કરતા ખબર જ ના રહી,
'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,
પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો,
દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,
શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે?
ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, 'ઓન-સાઇટ' ક્યારે જઇ રહીયો છે?
આ જુઓ 'ઓન-સાઇટ' પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
KRAની તારીખ આવતી નથી ને 'ઇંકમ-ટેક્સ્'નો સિતમ થઇ રહીયો છે,
આ જુઓ પાછી 'બસ' છૂટી ગઇ ને 'રિક્શા'થી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

'પીત્ઝા' ગળે નથી ઉતરતા તો સાથે 'કોક'ના ઘૂંટડા લઇ રહીયો છે,
'ઓફિસ'ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,
સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,
સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી આ છેલ્લી થોડી પંક્તિઓ,
હજારોના પગારવાળો 'કંપની'ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
સોફ્ટવેઅર એન્જીનિયર એ જ બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,
અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,
એક 'ફોજી'ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

વરસોનાં વરસ લાગે...

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદ્દ્ભાગ્યે કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે